અમદાવાદમાં બટન દબાવાતાં જ સેકન્ડોમાં રાવણ અને કુંભકર્ણ ખાખ! CM ભૂપેન્દ્ર પટેલે કેવી રીતે કર્યું હાઈટેક રાવણદહન?

અમદાવાદમાં વિજયાદશમી મહોત્સવ અંતર્ગત CM ભૂપેન્દ્ર પટેલે રિમોટનું બટન દબાવી રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કર્યું. સાંઈરામ દવેના ડાયરા સાથે ભવ્ય આયોજન યોજાયું.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 21 Oct 2026 12:00 AM (IST)Updated: Wed, 21 Oct 2026 12:07 AM (IST)
cm-bhupendra-patel-leads-hightech-ravan-dahan-in-ahmedabad

Dussehra 2026: અમદાવાદ શહેર આજે અસત્ય પર સત્યના વિજયના પર્વ એટલે કે વિજયાદશમી મહોત્સવની ભવ્ય ઉજવણીનું સાક્ષી બન્યું હતું. આ ખાસ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમી ઉત્સવમાં વિશેષ ઉપસ્થિતિ આપી હતી અને અમદાવાદવાસીઓ સાથે દશેરાની ઉજવણી કરી હતી.

હાઈટેક અંદાજ: રિમોટનું બટન દબાવાતાં જ પૂતળાં ભસ્મીભૂત

આ વર્ષે અમદાવાદમાં રાવણદહન પરંપરાગત રીતે નહિ, પરંતુ આધુનિક તકનીકના ઉપયોગથી કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેજ પરથી જ રિમોટ કંટ્રોલનું બટન દબાવ્યું હતું. બટન દબાવતાંની સાથે જ રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના મહાકાય પૂતળાઓ સેકન્ડોમાં ધડાકાભેર સળગી ઊઠ્યા હતા. આ નયનરમ્ય દ્રશ્ય જોઈને હાજર સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

સાંઈરામ દવેના ડાયરાએ જમાવ્યું આકર્ષણ

શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'વિજયાદશમી મહોત્સવ-2026' અંતર્ગત માત્ર રાવણદહન જ નહીં, પરંતુ લોકસંસ્કૃતિની જાળવણી માટે ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત હાસ્ય કલાકાર સાંઈરામ દવે અને તેમની ટીમે પોતાના લોકસાહિત્ય અને હાસ્યના પિરસણથી સમગ્ર માહોલને રામમય બનાવી દીધો હતો.

સાંસદો, મંત્રીઓ અને સંતોની પ્રોત્સાહક ઉપસ્થિતિ

આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ હસમુખભાઈ પટેલ, સાંસદ દિનેશ મકવાણા ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો, સંતો-મહંતો, રાજકીય અગ્રણી પ્રેરકભાઈ શાહ, Amts/AMCના હોદ્દેદારો તેમજ શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના વડા સંદીપ બારોટ સહિત હજારોની સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.