Ahmedabad News: શાળાઓની 500 મીટરની ત્રિજ્યા 'ડ્રગ ફ્રી ઝોન' જાહેર: દેશની તમામ સ્કૂલો માટે CBSE ની કડક માર્ગદર્શિકા જારી

CBSE દ્વારા તમામ શાળાઓની 500 મીટર ત્રિજ્યાને 'ડ્રગ ફ્રી ઝોન' જાહેર કરવા કડક માર્ગદર્શિકા જારી કરાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 29 Aug 2026 08:36 AM (IST)Updated: Sat, 29 Aug 2026 08:36 AM (IST)
cbse-school-drug-free-zone-guidelines-news-gujarat

Ahmedabad News: કેન્દ્રીય સરકાર હેઠળના શિક્ષણ મંત્રાલયે શરુ કરેલા નશામુક્ત વિદ્યાલય અભિયાન અંતર્ગત સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને તમામ શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જારી કરી છે. આ યોજના હેઠળ શાળા પરિસરની આસપાસના 500 મીટરના વિસ્તારને ડ્રગ ફ્રી ઝોન જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

શાળાઓને 100 ટકા નશામુક્ત કરવાનો લક્ષ્યાંક

સૌથી ગંભીર બાબત એ છે કે, દેશભરમાંથી દરરોજ 5,50થી વધારે બાળકો નશાના શિકાર બને છે. તેમાંથી અંદાજે 70 ટકા વિદ્યાર્થિઓ સ્કૂલ નજીકની દુકાનો કે ગલ્લાઓ પરથી સિગારેટ અને અન્ય નશીલી વસ્તુઓની ખરીદી કરે છે. માર્ચ 2029 સુધીમાં દેશની તમામ શાળાઓને 100 ટકા નશા મુક્ત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

શાળાઓ માટે મુખ્ય માર્ગદર્શિકા

  • શાળાના મેઇન ગેટથી અંદાજે 91 મીટર (300 ફીટ)ના અંતરે પીળી લાઇન દોરવાની રહેશે. આ રેખાની અંદર સિગારેટ કે તમાકુનું વેચાણ સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણાશે.
  • સ્કૂલ ગેટ અને કમ્પાઉન્ડ વોલ પર 500 મીટરનો વિસ્તાર ડ્રગ ફ્રી ઝોન હોવા અંગેનું સાઈનેજ બોર્ડ લગાવવું ફરજિયાત છે. જેમાં નોડલ અધિકારીનું નામ અને સંપર્ક નંબર લખવાના રહેશે.
  • દરેક શાળા પોતાના કોડ ઓફ કન્ડક્ટમાં વ્યસનમુક્તિ નીતિ ઉમેરવી પડશે અને સ્કૂલમાં નશા મુક્ત મોનિટરની નિમણૂક કરવાની રહેશે.
  • દર 6 માસમાં છાત્રો અને શિક્ષક મિત્રો માટે નશાબંધી વિષયક જાગૃત્તિ પ્રોગ્રામનું આયોજન ગોઠવવું પડશે.
  • શાળાઓનું સેલ્ફ ઈવેલ્યુશન ખાસ પોર્ટલ પર થશે અને રેન્ડમ ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવશે, શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો સ્કૂલે તુરંત સ્થાનિક પોલીસ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોને જાણ કરવાની રહેશે.

અમદાવાદની શાળાઓ પર IIM-Aનો સર્વે

IIM અમદાવાદના રિસર્ચર એઝાઝુદ્દીન શેખ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરની 83 ટકા શાળાઓના 100 મીટર વિસ્તારમાં તમાકુ અને નશીલા પદાર્થોનું વેચાણ થાય છે.

તમાકુ વેચતી કુલ દુકાનોમાંથી 75 ટકા પાન-બીડીના ગલ્લા છે.જ્યારે 25 ટકા સામાન્ય કરિયાણા કે અન્ય દૈનિક જરુરિયાતની દુકાન છે. વર્ષ 2013માં કરવામાં આવેલા સર્વે બાદ 2024ના આંકડા દર્શાવે છે કે પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.