Bavla 3 km iconic road: અમદાવાદ શહેરથી થોડા કિમી દૂર સ્થિત બાવળા શહેર હવે ઓદ્યોગીક હબ તરીકે વિકસી રહ્યું છે. સ્થાનિક અને મલ્ટીનેશનલ કંપનીઓ સાથે શહેરમાં રોજગારી પણ ઉભી થઈ રહી છે. ત્યારે આગામી સમયમાં બાવળા શહેરને વધુ એક મોટી ભેટ મળવાની છે. બાવળામાં ટ્રાફિકથી ધમધમતા 3 કિમીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે.
બાવળામાં બનશે 3 કિમીનો આઈકોનિક રોડ
બાવળા શહેરમાં સતત વાહનોની અવરજવર રહે છે. ત્યારે બાવળામાં ટ્રાફિકથી ધમધમતા 3 કિમીના માર્ગને આઇકોનિક રોડ જાહેર કરવામાં આવ્યો છે. વૈશાલી સોસાયટીથી CHC સર્કલ સુધી અડધા કિમીનો માર્ગ રૂ. 3.5 કરોડના ખર્ચે બનાવાશે. જ્યારે CHC સર્કલથી રુપાલ ચોકડી સુધી બાકીનો અઢી કિમીનો માર્ગ હશે.
માર્ગ પર અનઅધિકૃત દબાણની સમસ્યા
નોંધનીય છે કે, વૈશાલી સોસાયટીથી આંબા તળાવ સુધીના ગૌરવપથ રોડ પર ટ્રાફિકની સમસ્યાને લઇ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાનું મુખ્ય કારણ માર્ગ પરના અનઅધિકૃત દબાણ હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ નગરપાલિકાની સામાન્ય સભામાં તમામ દબાણ દૂર કરવાનો સર્વસંમતિથી ઠરાવ કર્યો હતો.
વૈશાલી સો.-રૂપાલ ચોકડી, દોઢ માસમાં ટેન્ડરિંગ
આ ઠરાવ બાદ 3 કિમીના રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વૈશાલી સોસાયટીથી CHC સર્કલ સુધીના માર્ગના કામની ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. વધુમાં, CHC સર્કલથી રુપાલ ચોકડી સુધીના માર્ગની માપણી કરી ટેન્ડર બહાર પાડી દોઢ મહિનામાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ રોડમાં મામલતદાર કચેરી, મુખીનો ઢાળ, APMC અને આર.કે. સર્કલને આવરી લેવામાં આવશે.
"આ રોડ પરના દબાણકર્તાઓ શહેરના સર્વાંગી વિકાસ માટે “નગરપાલિકાની સામે નહીં, પરંતુ નગરપાલિકાની સાથે”નો અભિગમ અપનાવી સ્વેચ્છાએ દબાણ દૂર કરી સહકાર આપે." -- ભગીરથસિંહ વાળા (ચીફ ઓફિસર)
દબાણકર્તાઓને સ્વેચ્છિક રીતે દબાણ દૂર કરવા નોટિસ
વૈશાલી સોસાયટી ગેટથી CHC ચાર રસ્તા, મામલતદાર કચેરી - મુખીનો ઢાળ - APMC - R.K. સર્કલ - રુપાલ ચોકડી - નેશનલ હાઈવે સુધીના શહેરના મુખ્ય જાહેર માર્ગ પર દબાણને લઇ ટ્રાફિકની સમસ્યા વકરી છે. આથી દબાણ હટાવી રોડના વિકાસનું કામ કરી કાયાપલટ કરવામાં આવશે. ગૌરવપથ જાહેર થયેલા આ રોડ પર દબાણકર્તાઓને સ્વેચ્છિક રીતે દબાણ દૂર કરવા નોટિસ પાઠવવામાં આવશે.
