Ahmedabad Sponge Park: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકાની સુવિધા માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે. શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે અને ભૂગર્ભ જળને ઉંચા લાવવા માટે સ્પોન્જ પાર્ક બનાવવામાં આવશે. જેમાં પ્રથમ સ્પોન્જ પાર્ક વાસણામાં રૂપિયા 1.47 કરોડના ખર્ચે બનાવવાની તૈયારી કરી છે.
વાસણામાં 1.47 કરોડના ખર્ચે તૈયાર થશે સ્પોન્જ પાર્ક
શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડની ફાળવણી કરવામાં આવી છે. જેના હેઠળ અમદાવાદમાં સ્પોન્જ પાર્ક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અમદાવાદ મનપા દ્વારા વાસણામાં રૂપિયા 1.47 કરોડના ખર્ચે સ્પોન્જ પાર્ક બનાવવાની તૈયારી કરવામાં આવી છે. વોટર સપ્લાય અને સુઅરેજ કમિટી સમક્ષ આ દરખાસ્ત રજૂ કરી છે.
પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળશે
જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોય તેની નજીક આ સ્પોન્જ પાર્ક બનાવાય છે. જે બાદ આ વિસ્તારનું પાણી સ્પોન્જ પાર્કમાં વહાવવામાં આવે. જેના કારણે જે તે વિસ્તારના ભૂગર્ભ જળ ઊંચા આવે છે. જ્યારે બીજી તરફ લોકોને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળે છે.
કેવી રીતે કામ કરે છે સ્પોન્જ પાર્ક?
નક્કી કરેલા પ્લોટમાં ખોદાણ કરી તેમાં અર્થન ટેંક બેડ એરિયા બનાવવામાં આવે છે. જે ટેંકમાં પહેલા માટી, ઘાસ અને તેની નીચે મોટા કાંકરા સહિતની વસ્તુઓ હોય છે, જે સરળતાથી પાણીને ભૂગર્ભમાં ઉતારે છે. આ ટેંકમાં આસપાસના વિસ્તારનું પાણી એકઠું કરવા માટે લાઇનો નાખવામાં આવે, જેથી ભરાઇ રહેતું વરસાદી પાણી આ સ્થળે આવે.
ખાડામાં પરકોલેટિંગની સુવિધા હોય જેથી પાણી ભૂગર્ભમાં ઉતરતાં ભૂગર્ભજળ રીચાર્જ થાય છે. વરસાદી સિઝન સિવાય આ ખાડામાં ઘાસ ઉગે તેમજ ત્યાં બાળકો માટે પ્લેગ્રાઉન્ડ જેવી સુવિધા હોય. જેથી ચોમાસા સિવાય આ સ્થળનો બાળકો માટે ઉપયોગ થાય. તે સિવાય ગણેશ કુંડ, પોડિયમ, જીમ એરિયા, સાયકલ ટ્રેક જેવી સુવિધા પણ આ સ્થળે ઉપલબ્ધ થઈ શકે છે.
આગામી દિવસોમાં 5 સ્થળે બનશે સ્પોન્જ પાર્ક
અગાઉ વેજલપુર વિસ્તારમાં ગાર્ડનમાં સ્પોન્જ પાર્ક બનાવવાની દરખાસ્તને કમિટી દ્વારા પરત કરી દેવામાં આવી હતી. જ્યારે હવે આગામી દિવસોમાં 5 સ્થળે આ સ્પોન્જ પાર્ક બનશે. સ્પોન્જ પાર્ક બનાવવા માટે AMC દ્વારા 7 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા. આખરે એક કોન્ટ્રાક્ટરે રસ દાખવતા AMC દ્વારા સિંગલ ટેન્ડર મંજૂર કરવા દરખાસ્ત કરવામાં આવી છે.
આ સ્થળે બનશે સ્પોન્જ પાર્ક
- વાસણા: ધવલ ગાંધી રોડ પર આવેલા રત્નમ ફ્લેટ પાસે
- બોડકદેવ: અશોક વાટિકા રોડ પાસે
- મક્તમપુરા: ટોરેન્ટ પાવર સબ સ્ટેશન પાસે
- ઓઢવ: ફાયર સ્ટેશન પાસે
- વટવા: અયોધ્યા એપાર્ટમેન્ટ પાસે
