Ahmedabad Anganwadi: અમદાવાદની 386 આંગણવાડી બનશે હાઈટેક, ભુલકાંઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કુલ 618 આંગણવાડી પૈકી 386 કેન્દ્રોના નવીનીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 08 Feb 2026 11:33 PM (IST)Updated: Sun, 08 Feb 2026 11:33 PM (IST)
anganwadis-in-ahmedabad-to-be-made-high-tech-attractive-centers-of-education-for-children

Ahmedabad Anganwadi: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ 2026ને આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કુલ 618 આંગણવાડીઓ પૈકી 386 કેન્દ્રોના નવીનીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈ.સી.ડી.એસ. વિભાગ હેઠળના અર્બન ઘટક 01 થી 17માં હાલ કુલ 2128 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. રાજ્ય સરકારના અનુદાનથી ચાલતી આ સંસ્થાઓમાં આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ બને અને બાળ વિકાસની ગતિશીલતામાં વધારો થાય તેવા ઉમદા હેતુ સાથે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.

આ યોજનાના અસરકારક અમલીકરણ માટે વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને બાળકોનો સર્વાંગી વિકાસ કરવો, આરોગ્ય અને પોષણનું સ્તર સુધારવું તેમજ બાળ મૃત્યુદર અને કુપોષણ ઘટાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આંગણવાડી કેન્દ્ર એ બાળ વિકાસ યોજનાનો પાયો છે, ત્યારે સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓને પૂરક પોષણ અને શિક્ષણ મળી રહે તે માટે આ કેન્દ્રોનું ભૌતિક માળખું મજબૂત કરવું અનિવાર્ય બન્યું છે.

આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મરામત કરવાનો જ નહીં, પરંતુ બાળકોને આકર્ષે તેવું શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવાનો છે. આ માટે ‘BaLA’ (Building as Learning Aid) પેન્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને દિવાલો પર ગણિતના અંકો, બારખડી અને કુદરતી દ્રશ્યો ચિતરવામાં આવ્યા છે, જેથી બાળકો રમત-ગમતની સાથે પાયાનું શિક્ષણ મેળવી શકે.

આ કામગીરીને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા માઇનર અને મેજર રિપેરિંગ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા તેમના ઝોનલ બજેટમાંથી તેમજ CSR ફંડના સમન્વય દ્વારા આંગણવાડીઓને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી છે.

આઈ.સી.ડી.એસ. અને ઇજનેર વિભાગના સંયુક્ત પ્રયાસોથી આ ઝુંબેશને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરી શહેરના બાળકોને સુરક્ષિત અને સુસજ્જ આંગણવાડીઓની ભેટ આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
……