Rajkot News: રાજકોટ શહેરમાં વરસાદી પાણીના વ્યવસ્થિત સંગ્રહ અને શહેરીજનોને સુવ્યવસ્થિત જાહેર સુવિધા મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 12ના વાવડી વિસ્તારમાં રુ.28.34 કરોડના ખર્ચે ગુજરાતના પ્રથમ સ્પોન્જ ગાર્ડનનું નિર્માણ થઈ રહ્યું છે. આ સ્પોન્જ પાર્કથી પ્રતિવર્ષ 25 હજાર ક્યુબિક વરસાદી જળને ભૂગર્ભમાં સંગ્રહિત કરાશે, જેથી આસપાસના વિસ્તારોમાં બોરના સ્તર ઉંચા આવશે.
રાજકોટ મનપાનો નવો પ્રોજેક્ટ
રાજકોટ શહેરમાં પ્રતિવર્ષ ચોમાસાની સીઝન દરમિયાન જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. જેના લીધે વરસાદી પાણી વહી જતું હોવાથી તેને અટકાવવા માટે મનપા દ્વારા આ નવીન પ્રોજેક્ટને અમલી બનાવાયો છે. વાવડી તપન હાઇટ્સની બાજુમાં 57.034 ચોરસ મીટર જમીન પર આધુનિક સ્પોન્જ ગાર્ડન આકાર પામી રહ્યું છે. સિટી એન્જિનિયર કુંતેશ મહેતાના જણાવ્યા પ્રમાણે, આ પ્રોજેક્ટ આગામી ચોમાસામાં શહેર માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
સ્પોન્જ પાર્કની વિશેષ ખાસિયતો
મનપાના પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે આધુનિક ગાર્ડનનો વિકાસ કરાશે, આ ગાર્ડનમાં રાજકોટવાસીઓને નીચે મુજબની જાહેર સુવિધાઓ મળશે:
- રેઇન ગાર્ડન
- વોટર રિટેન્શન પોન્ડ
- યોગા સ્પેસ
- સોલાર એનર્જી આધારિત સુવિધાઓ
- કોમ્યુનિટી ફાર્મિંગ
- મલ્ટી સ્પોર્ટ્સ ગેમ કોર્ટ
- ફેસ્ટિવલ ગેધરિંગ ઝોન
- મેડિસિનલ પ્લાન્ટેશન પબ્લિક પરફોમન્સ એરિયા
- વોક વે
- વોટર મ્યુઝિયમ
- આઉટર જિમ
1 લાખથી વધુ લોકોને ફાયદો
વરસાદી પાણી જમીનમાં ઉતરવાથી વાવડી અને મવડી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા મહદંશે ઉકેલાશે અને બોરિંગના તળ ઊંચા આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં આસપાસના 1 લાખથી વધુ નાગરિકોને આરોગ્યપ્રદ, હરિયાળું અને આધુનિક મનોરંજન સ્થળ મળશે.
