Bapunagar Student Stabbing: અમદાવાદ શહેરમાં સ્કૂલમાં અભ્યાસ કરતા સગીર બાળકોમાં મારામારી અને હિંસાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખોખરા અને ઘાટલોડિયાની ઘટના બાદ હવે બાપુનગરના હીરાવાડી વિસ્તારમાં ધોરણ 11માં ભણતા એક વિદ્યાર્થીને તેના જ સાથી મિત્રએ છરી મારી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
નજીવી બાબતે બે મિત્રો વચ્ચે ડખ્ખો
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, બાપુનગરના હીરાવાડી નજીક રહેતો 17 વર્ષીય સગીર બાપુનગરની ભગવતી વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. વધુમાં, તે પ્રતીક્ષા માર્કેટ પાસે આવેલા કોમર્સ એક્સપોર્ટ ટ્યુશન ક્લાસીસમાં જાય છે.
ગત 15 માર્ચના રોજ જ્યારે આ સગીર ટ્યુશન ક્લાસીસમાં ગયો, ત્યારે તેના રૂમમાં જગ્યા ન હોવાને કારણે તેણે પોતાની સાથે ભણતા અન્ય એક વિદ્યાર્થીને બીજા રૂમમાં જવાનું કહ્યું હતું. આટલી સામાન્ય બાબતે બંને વિદ્યાર્થીઓ વચ્ચે ભારે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી.
વિદ્યાર્થી પર તેના જ મિત્રએ કર્યો હુમલો
ટ્યુશન ક્લાસની બોલાચાલીની અદાવત રાખીને બપોરના સમયે જ્યારે પીડિત સગીર હીરાવાડી વિસ્તારમાં તુલસી ફ્લેટ નજીક આવેલી ભોમિયા ડેરી પાસે ઉભો હતો, ત્યારે તેનો પેલો સાથી મિત્ર ત્યાં ધસી આવ્યો હતો. તેણે પોતાની પાસે સંતાડેલો છરો કાઢીને પીડિત સગીરના પેટના ડાબા ભાગે સીધો જ ઘા મારી દીધો હતો.
આ પણ વાંચો: Ahmedabad: રાણીપની સગીરા પર આબુની હોટલમાં દુષ્કર્મ, મિત્રએ કેફી પીણું પીવડાવી દેહ અભડાવ્યો
ઈજાગ્રસ્ત વિદ્યાર્થી હાલ સારવાર હેઠળ
જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે બૂમાબૂમ થઈ જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેને જોઈને છરી મારનાર આરોપી વિદ્યાર્થી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત સગીરને તેની સાથે ઉભેલો અન્ય એક સાથી સ્ટુડન્ટ તાત્કાલિક રીક્ષામાં બેસાડીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો.
બાપુનગર પોલીસની તાત્કાલિક કાર્યવાહી
આ ઘટના અંગે H ડિવિઝન ઇન્ચાર્જ ACP કૃણાલ દેસાઈએ જણાવ્યું કે, બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી તકરાર બાદ બપોરે ભોમિયા ડેરી પાસે આરોપીએ અન્ય વિદ્યાર્થીને પેટમાં છરી મારી દીધી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર મામલે બાપુનગર પોલીસે ગુનો નોંધીને સગીર આરોપીને અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
