Ahmedabad: શહેરના રાણીપ વિસ્તારમાં રહેતી સગીરા પર ગુજરાતની સરહદને અડીને આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. સગીરા થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે પોતાની સહેલી સાથે માઉન્ટ આબુ ગઈ હતી, જ્યાં તેના પર કુકર્મ કરવામાં આવ્યું હતુ. જેનો વીડિયો વાયરલ થતાં આખરે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ઈન્સ્ટાગ્રામ થકી સંપર્કમાં આવેલી સહેલી સગીરાને પાર્ટી કરવા આબુ લઈ ગઈ
આજથી એકાદ વર્ષ પૂર્વે રાણીપ વિસ્તારમાં રહેતી સગીરા ઈન્સ્ટાગ્રામ થકી બીજી 14 વર્ષીય સગીરાના સંપર્કમાં આવી હતી. જે બાદ બન્ને વચ્ચે મિત્રતા થતા તેઓ એકબીજા સાથે વાત કરતા હતા.
ગત 30 ડિસેમ્બરે સહેલીએ ભોગ બનનાર સગીરાને ફોન કરીને થર્ટી ફર્સ્ટ ઉજવવા માટે મિત્રો સાથે માઉન્ટ આબુ આવવા માટે ફોર્સ કરતાં તે તૈયાર થઈ ગઈ હતી. જે બાદ પીડિતા તેની સહેલી સહિતના મિત્રો કલોલથી ટ્રેનમાં માઉન્ટ આબુ પહોંચ્યા હતા.
માઉન્ટ આબુમાં પહોંચ્યા બાદ તેઓ હોટલમાં રોકાયા હતા. જ્યાં સગીરાની સહેલી અને તેનો મિત્ર એક રૂમમાં બિયર પીતા હતા, ત્યારે તેમણે પીડિતાને કોલ્ડ્રિંક્સ પીવા માટે આવ્યું હતુ. જે પીતા જ સગીરા ભાન ગુમવી બેઠી હતી. જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેના કપડા અસ્તવ્યસ્ત હોવાથી પોતાની સાથે કંઈ અજુગતું થયું હોવાનું લાગતે તે એકલી અમદાવાદ પરત ફરી હતી.
ઈન્સ્ટાગ્રામમાં આબુની હોટલના રૂમનો વીડિયો વાયરલ થયો
એવામાં થોડા દિવસ પૂર્વે ઈન્સ્ટાગ્રામમાં સગીરાનો માઉન્ટ આબુની હોટલના રૂમનો વીડિયો વાયરલ થયો હતો. જે જોઈને ખ્યાલ આવ્યો કે, હોટલના રૂમમાં બેભાન અવસ્થાનો લાભ ઉઠાવીને સહેલીએ પોતાના પ્રાઈવેટ પાર્ટ પર અડપલા કર્યા હતા, જ્યારે તેમની સાથે રહેલા મિત્રએ દુષ્કર્મ ગુજાર્યું હતુ.
આ વીડિયો જોયા બાદ સગીરાએ પરિવારને જાણ કરી હતી. પરિવારે હિંમત આપતા આખરે સગીરાએ રાણીપ પોલીસ મથકમાં પોતાની સહેલી અને તેના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
