Asian Games 2026, Rifle Shooter Elavenil Valarivan: ભારતની સ્ટાર રાઈફલ શૂટર એલાવેનિલ વાલારિવન (Elavenil Valarivan) જાપાનમાં યોજાયેલી એશિયન ગેમ્સ 2026 માં શાનદાર પ્રદર્શન કરતા એક જ દિવસમાં બે સિલ્વર મેડલ જીત્યા બાદ અમદાવાદ પરત આવતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
એક જ દિવસમાં જીત્યા બે સિલ્વર મેડલ
એશિયન ગેમ્સ 2026 માં એલાવેનિલ વાલારિવને શૂટિંગમાં ભારતનું નામ રોશન કર્યું છે. મહિલાઓની 10 મીટર એર રાઈફલ વ્યક્તિગત સ્પર્ધામાં તેમણે 252.4 પોઈન્ટ મેળવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. આ ઉપરાંત, તેમણે સાથી ખેલાડી સોનમ મસ્કર અને વિદાર્શા વિનોદ સાથે મળીને 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં પણ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો.
અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત
એશિયન ગેમ્સમાં બે સિલ્વર મેડલ જીતીને વતન પરત ફરેલી એલાવેનિલ વાલારિવનનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના પ્રદર્શન અને જીત અંગે વાત કરતાં એલાવેનિલ વાલારિવનએ જણાવ્યું કે, "અમે હંમેશાં મેડલની ચિંતા કરવાને બદલે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. પ્રાથમિકતા શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની જ હોય છે. જોકે, જે દિવસોમાં મેં મારું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું ત્યારે મેડલનું પરિણામ કદાચ વધુ સારું હોઈ શક્યું હોત."
કોણ છે એલાવેનિલ અને ક્યાં મળી તાલીમ?
એલાવેનિલનો જન્મ 2 ઓગસ્ટ, 1999 ના રોજ તમિલનાડુમાં થયો હતો, પરંતુ તેમનો ઉછેર અને રમતગમતની શરૂઆત અમદાવાદમાં થઈ છે. હાલમાં તેઓ ઓલિમ્પિક મેડલિસ્ટ ગગન નારંગની'ગન્સ ફોર ગ્લોરી' (Guns for Glory) એકેડેમીમાં તાલીમ મેળવે છે. પોતાની સફરમાં મળેલી મદદ અને પ્રોત્સાહન વિશે વાત કરતાં તેમણે એક જાણીતી કહેવત ટાંકી હતી કે, "'એક બાળકનો ઉછેર કરવા માટે આખા ગામની જરૂર પડે છે, અને મને લાગે છે કે આ વાત અહીં પણ લાગુ પડે છે."
એલાવેનિલને વધુમાં ઉમેર્યું કે, આ ક્ષેત્રે શરૂઆત ગુજરાતમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), ગુજરાત સરકાર અને 'ગન ફોર ગ્લોરી શૂટિંગ એકેડેમી' વચ્ચે થયેલા MoU તથા વિજય ભારતી અને સંસ્કાર ધામ જેવી શાળામાં ઊભી કરવામાં આવેલી શ્રેષ્ઠ સુવિધાથી થઈ હતી. મારી સફરમાં સતત સાથ આપવા બદલ 'ગન ફોર ગ્લોરી', ગુજરાત રાજ્ય સરકારના રમતગમત વિભાગ અને વિજય ભારતી શાળાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
એલાવેનિલ વાલારિવનની કારકિર્દીની સિદ્ધિઓ
એલાવેનિલ વાલારિવન હાલ ભારતીય શૂટિંગના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓ પૈકી એક છે. તેઓ 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં વિશ્વના નંબર 1 શૂટર રહી ચૂક્યા છે. તેમણે વરિષ્ઠ (Senior) ISSF વર્લ્ડ કપમાં વર્ષ 2019 અને 2023 માં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા છે. આ ઉપરાંત 2025 માં કુવૈત ખાતે યોજાયેલી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં 10 મીટર એર રાઈફલમાંતેઓએશિયન ચેમ્પિયન બન્યા હતા.
આ ઉપરાંત એલાવેનિલ વાલારિવન ટોક્યો 2020 અને પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય શૂટિંગ ટીમનો હિસ્સો રહી ચૂક્યા છે. રમતગમતમાં તેમના ઉત્કૃષ્ટ અને સાતત્યપૂર્ણ પ્રદર્શન બદલ ભારત સરકાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભવિષ્યના આયોજન વિશે વાત કરતા એલાવેનિલ વાલારિવને જણાવ્યું કે, "અત્યારે તો હું ફક્ત ઘરે જઈને મારા પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવા માંગુ છું."
