Amreli: વડીયાના અરજણસુખ ગામે સિંહણનો આતંક, 4 લોકો પર હુમલો થતાં વન વિભાગની ટીમ દોડી

અમરેલી જિલ્લાના વડીયા પંથકના અરજણસુખ ગામે સિંહણે ભારે આતંક મચાવી 4 લોકો પર હુમલો કર્યો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે અને વન વિભાગની ટીમે સિંહણને રેસ્ક્યૂ કરવા ઓપરેશન હાથ ધર્યું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 02 Oct 2026 10:43 AM (IST)Updated: Fri, 02 Oct 2026 10:43 AM (IST)
amreli-lion-attack-arjansukh-lioness-attack-four-injured-forest-department

Amreli News: અમરેલી અને ગીર અભ્યારણ્ય વિસ્તારોમાં એશિયાટીક સિંહોના હુમલાની ઘટનાઓ અવારનવાર સામે આવી છે. ત્યારે અમરેલી જિલ્લાના વડીયા પંથકના અરજણસુખ ગામે એક સિંહણે ભારે આતંક મચાવતા 4 લોકો પર હુમલો કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગ અને વેટરનરી તબીબોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

સિંહણે ચાર લોકો પર હુમલો કર્યો

મળતી માહિતી મુજબ, અરજણસુખ ગામ ખાતે 1 ઓક્ટોબરના રોજ રાત્રે 12 વાગ્યે તોરી ગામના ભગીરથભાઈ બસિયા અને મેહુલ વાજા એક પ્રસંગ પૂરો કરીને પાછા ફરી રહ્યા હતા. ત્યાં અચાનક એક સિંહણે ઘાતકી હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા હુમલામાં બંને યુવાનો બાઇક પરથી નીચે પડી ગયા હતા. સિંહણે હુમલો કરતાં યુવકોના હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને યુવકોને ત્વરિત સારવાર હેઠળ ખસેડવાં આવ્યા છે.

વન વિભાગ ઘટના સ્થળે આવી

અરજણસુખ ગામના પાટિયા પાસે બે યુવકો પર સિંહણે હુમલો કર્યા બાદ મોડી રાત્રે બીજા બે લોકો પર હુમલો કર્યો હતો. એક જ રાતમાં ચાર ચાર લોકો પર સિંહણે હુમલો કરતાં અફરાતરફરીનો માહોલ સર્જાયો છે. ગામના પાટિયા પાસે સિંહણ લોકો પર હુમલો કરવા દોડી રહી હોવાની જાણ લોકોએ તાત્કાલિક વન વિભાગને કરી હતી. વન વિભાગને સિંહણના હુમલા અંગે જાણ થતાં તાત્કાલિક દોડી આવી હતી.

સિંહણનું રેસ્ક્યું કરવાની કામગીરી

વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને સ્કેનિંગ કામગીરીની શરુઆત કરી હતી. જેમાં વન વિભાગની સાથે સાથે વેટરનરી ડોકટરોની ટીમ પણ જોડાઈ હતી. વન વિભાગની ટીમે સિંહણને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.