Ahmedabad: ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મિલિયન માઇન્ડ્સ ટેક પાર્કનું લોકાર્પણ, જાણો 65 એકરના ટેક સિટીની વિશેષતા

આશરે રૂ. 1100 કરોડના ખર્ચે આ મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક તૈયાર થયો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 17 May 2026 03:05 PM (IST)Updated: Sun, 17 May 2026 03:05 PM (IST)
amit-shah-inaugurated-million-minds-tech-park-ganesh-housing-in-ahmedabad
HIGHLIGHTS
  • મિલિયન માઇન્ડ્સ ટેક પાર્કનું લોકાર્પણ
  • અમદાવાદ બનશે વૈશ્વિક ટેકનોલોજી હબ

Amit Shah Ahmedabad Visit: ગુજરાતને નોલેજ અને ટેકનોલોજી આધારિત વૈશ્વિક અર્થતંત્રનું કેન્દ્ર બનાવવાના વિઝન સાથે અમદાવાદમાં એક મોટા પ્રોજેક્ટનો શુભારંભ થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગોતા ખાતે ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ અને ‘ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે.

65 એકરમાં ફેલાયેલું 'મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક'

વૈષ્ણોદેવી સર્કલ નજીક અમદાવાદ-ગિફ્ટ સિટી-ગાંધીનગર હાઈ ગ્રોથ કોરિડોરમાં આશરે 65 એકર વિસ્તારમાં આ આધુનિક ટેક સીટી વિકસાવવામાં આવી રહી છે. આ ટેક સિટીમાં ગ્રેડ-એ ઓફિસ સ્પેસ, રહેણાંક સુવિધાઓ, રિટેલ અને હોસ્પિટાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.

મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક દ્વારા AI, રોબોટિક્સ અને સેમિકન્ડક્ટર જેવા અદ્યતન ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન મળશે. સાથે જ આ પ્રોજેક્ટ થકી અંદાજે 70 હજારથી વધુ ઉચ્ચ કૌશલ્ય ધરાવતી રોજગારીનું સર્જન થશે. આશરે US ડોલર 1.5 બિલિયન એટલે કે રૂ. 1100 કરોડના રોકાણ સાથે ગુજરાતનું પ્રથમ IGBC પ્લેટિનમ રેટેડ SEZ IT પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે.

naidunia_image

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આધુનિકતા અને વ્યાવસાયિકતા લાવવા માટે 'ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ' મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અહીં યુવાનોને આધુનિક અર્બન પ્લાનિંગ અને ટેકનોલોજી આધારિત તાલીમ આપવામાં આવશે.

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું કે, ગુજરાતે આઝાદી સમયથી દેશનું નેતૃત્વ કર્યું છે અને હવે તે ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ દેશને નવી દિશા આપશે.

naidunia_image

ગુજરાત 2.0: IT, ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતે મેન્યુફેક્ચરિંગ, ફાર્મા અને પોર્ટ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. હવે રાજ્ય IT અને ઇનોવેશન આધારિત 'ગુજરાત 2.0' ના સ્વપ્નને સાકાર કરી રહ્યું છે. ગિફ્ટ સિટી અને ધોલેરા આગામી સમયમાં ગુજરાતના આર્થિક વિકાસના શક્તિશાળી એન્જિન બનશે અને સાણંદ-ધોલેરાને સેમિકન્ડક્ટર હબ તરીકે વિકસાવાશે.

naidunia_image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, અમદાવાદ અને ધોલેરા વચ્ચે આશરે રૂ. 20 હજાર કરોડના ખર્ચે દેશના પ્રથમ સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ મેટ્રો, રિવરફ્રન્ટ અને કોમનવેલ્થ ગેમ્સ માટે વિકસતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે અમદાવાદ આજે વૈશ્વિક શહેર તરીકે ઉભરી રહ્યું છે.

'રોકાણકારો માટે ગુજરાત તૈયાર છે' : હર્ષ સંઘવી

આ કાર્યક્રમના પેનલ ડિસ્કશનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે, આવનારો સમય ગુજરાતનો છે અને દેશ-વિદેશમાંથી આવતા રોકાણકારો માટે રાજ્ય સંપૂર્ણ રીતે તૈયાર છે. ગિફ્ટ સિટી વૈશ્વિક સ્તરની મોટી કંપનીઓનું નવું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આ તકે ગણેશ હાઉસિંગ લિમિટેડના ચેરમેન દિપક પટેલ, મેનેજિંગ ડિરેક્ટર શેખર પટેલ અને અનમોલ પટેલ સહિતના અગ્રણી ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા હતા.