amit shah Development Projects launch: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. જે અનુસંધાને આજે તેઓ ગાંધીનગરમાં 620 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને શુભારંભ કરશે. આ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી સહિત મોટા નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહેશે. લોકોની સુવિધામાં વધારો કરવા માટે 620 કરોડના પ્રોજેક્ટ્સમાં ગાર્ડન, આરોગ્ય કેન્દ્ર, રસ્તા, કમ્યુનિટી હોલ અને પાણી સાફ કરવાનો પ્લાન્ટ સહિતની સુવિધાઓનો સમાવેશ છે.
ગૃહ મંત્રી અમિત શાહ વિકાસકામોનું લોકાર્પણ કરશે
ગાંધીનગરમાં આજે બપોરે સેક્ટર-17માં આવેલા ટાઉન હોલ ખાતે બપોરે 3;30 વાગે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ગાંધીનગરના સંસદસભ્ય અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઓનલાઈન માધ્યમ વડે વિકાસકામોનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગાંધીનગરના મેયર મીરાં પટેલ સહિત ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહેશે
ટી.પી સ્કીમ રસ્તાઓનું થશે નિર્માણ
ગાંધીનગર મનપા આ વિકાસ કાર્યો થકી શહેરનો વિકાસ કરવા ઈચ્છે છે. લોકોને વધારે સુવિધા મળે માટે આ વિકાસકામોની ભેટ આપવામાં આવી છે. ઉપરાંત રાયસણ, કુડાસણ અને સરગાસણના ટી.પી સ્કીમ અંતર્ગત આવતા વિસ્તારોના રસ્તાઓનું નિર્માણ પણ કરવામાં આવશે. ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહ આ વિકાસ કામોની ભેટ નાગરિકોને આપશે.
કેન્દ્રીય મંત્રી આ વિકાસકામોની આપશે ભેટ:
આરોગ્ય અને ફિટનેસ સુવિધાઓ
- અર્બન હેલ્થ સેન્ટર્સ: સેક્ટર-21, 22 અને સરગાસણ ખાતે નવા હેલ્થ સેન્ટરોની સુવિધા મળશે.
- પી.એચ.સી. સેન્ટર (PHC): ભાટ અને ઝુંડાલ ગામના લોકોને ઘરઆંગણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા મળશે.
- યોગ સ્ટુડિયો: સરગાસણ અને સેક્ટર 25માં નાગરિકોની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે આધુનિક યોગ સ્ટુડિયો ખુલ્લા મુકાશે.
નાગરિક સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
- પાણીની સુવિધા: પેથાપુરમાં પીવાના પાણી માટે 2 નવી ટાંકીઓ અને પાઇપલાઇન નખાશે.
- નવા કોમ્યુનિટી હોલ: અમિયાપુર, કોબા અને પેથાપુરમાં સામાજિક પ્રસંગો માટે નવા હોલ બનશે.
- ગાર્ડન અને વોર્ડ ઓફિસ: સેક્ટર-1 માં નવો ગાર્ડન લોકોને સોંપાશે, જ્યારે રાંધેજામાં નવી વોર્ડ ઓફિસ અને દુકાનો કાર્યરત થશે.
મહાપાલિકા માટે 37 નવા સ્માર્ટ વાહનો
- શહેરની સફાઈ અને આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે કોર્પોરેશનના કાફલામાં નવા વાહનો અને મશીનો જોડવામાં આવ્યા છે:
- કચરો ઉપાડવા માટેના ડમ્પર અને જેસીબી (JCB) મશીનો.
- ઈમરજન્સી માટે બચાવ કામગીરીના ખાસ વાહનો.
- જરૂરિયાતના સમયે સપ્લાય માટે પાણીના નવા ટેન્કરો.
પાણી સાફ કરવા અંગેના પ્રોજેક્ટ્સ
- જાસપુર સીવેજ પ્લાન્ટ: જાસપુરમાં રુ. 135 કરોડના ખર્ચે 100 MLD ક્ષમતાનો આધુનિક ગટરના પાણીને સાફ કરવાનો પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે.
- રોડ રિપેરિંગ: રક્ષાશક્તિ ફ્લાયઓવરથી ધોળેશ્વર મહાદેવ બ્રિજ સુધીના મહત્વના બાયપાસ રોડનું તાત્કાલિક સમારકામ કરવામાં આવશે.
સ્પોર્ટ્સ અને એજ્યુકેશનને લગતો પ્રોજેક્ટ્સ
- પેથાપુરમાં યુવાનો અને વિદ્યાર્થીઓ માટે પેથાપુરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, યોગ કેન્દ્ર અને અદ્યતન લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવશે.
