અમદાવાદને મળી સ્માર્ટ RTO કચેરી, AI ટ્રેક અને હાઈટેક કંટ્રોલ રૂમ; જાણો આધુનિક બિલ્ડિંગની વિશેષતાઓ

અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે નવી સ્માર્ટ RTO કચેરી 62 કરોડના ખર્ચે નિર્માણ પામી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 17 May 2026 09:46 AM (IST)Updated: Sun, 17 May 2026 09:47 AM (IST)
ahmedabad-new-rto-office-ai-track-and-high-tech-control-room-at-subhash-bridge
HIGHLIGHTS
  • અમદાવાદને મળી સ્માર્ટ RTO કચેરી
  • રૂ. 62 કરોડના ખર્ચે હાઇટેક સુવિધા

Ahmedabad New RTO Office: અમદાવાદના નાગરિકો માટે એક મોટા અને રાહતના સમાચાર છે. સુભાષ બ્રિજ ખાતે તૈયાર થયેલી નવી RTO ઓફિસ હવે નાગરિકોને વધુ સ્માર્ટ, ડિજિટલ અને સુવિધાસભર અનુભવ આપવા જઈ રહી છે. આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે અમદાવાદ સ્માર્ટ સિટીની દિશામાં વધુ એક કદમ આગળ વધ્યું છે.

રૂ. 62.26 કરોડના ખર્ચે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આશરે રૂપિયા 62.26 કરોડના ખર્ચે અમદાવાદની નવી અને ભવ્ય RTO કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આશરે 12787 ચોરસ મીટરના વિશાળ બિલ્ટઅપ એરિયામાં પથરાયેલું આ સંપૂર્ણ વાતાનુકૂલિત (AC) બિલ્ડિંગ બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 3 માળ ધરાવે છે. નાગરિકો RTO કચેરીમાં પ્રવેશે ત્યારે જ તેમને ટોકન નંબર અને વેઇટિંગ કેટલું છે તે જાણવા માટે LED સ્ક્રીનો ઉપલબ્ધ હશે.

naidunia_image

AC બિલ્ડિંગ સાથે વિશાળ વેઇટિંગ એરિયા

અમદાવાદની નવી RTO કચેરીમાં અલગ અલગ વિભાગને લગતા કાઉન્ટરો બનાવવામાં આવ્યા છે, અને અંદાજીત 2000 થી પણ વધુ લોકો બેસી શકે તેવી સુવિધા છે. હાલ અંદાજે 230 મુલાકાતીઓ માટે વિશાળ વેઇટિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. દિવ્યાંગ નાગરિકો માટે ખાસ હેન્ડીકેપ રેમ્પ અને લિફ્ટની પણ વિશેષ સુવિધા આપવામાં આવી છે.

AI-આધારિત ટેસ્ટિંગ ટ્રેકથી સમયની બચત

ટેસ્ટિંગ પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે અહીં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે AI-આધારિત 3 નવા આધુનિક ઓટોમેટિક ટેસ્ટિંગ ટ્રેક બનાવવામાં આવ્યા છે. આધુનિક કંટ્રોલ રૂમની મદદથી સમગ્ર પ્રક્રિયા સરળ બનશે, અરજદારોના સમયની બચત થશે અને પારદર્શક ડિજિટલ સેવાઓનો લાભ મળશે.

naidunia_image

અરજદારોને પાર્કિંગની સમસ્યામાંથી છુટકારો

RTO કચેરી ખાતે આવતા હજારો અરજદારોને ધ્યાનમાં રાખીને વિશાળ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જમીન પર 161 ટુ-વ્હીલર અને 52 ફોર-વ્હીલર, જ્યારે બેઝમેન્ટમાં 362 ટુ-વ્હીલર અને 130 ફોર-વ્હીલર પાર્ક કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, એક વિશાળ કોન્ફરન્સ હોલ, પીવાનું પાણી અને અદ્યતન ફાયર સેફ્ટી સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

એજન્ટ પ્રથા ડામવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા

RTO કચેરીમાં મોટા પ્રમાણમાં આવતા મુલાકાતીઓ અને એજન્ટોના રાફડાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ગેરરીતિ અટકાવવા અને મુલાકાતીઓની સુરક્ષા માટે સમગ્ર કેમ્પસનો મોરચો GISF જવાનો સંભાળશે. આ સાથે જ, સમગ્ર કચેરીને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવશે. આ તમામ સુવિધાઓથી લોકોનું 'Ease of Living' વધશે, અને એક શ્રેષ્ઠ સ્માર્ટ સેવાનો અનુભવ મળશે.