Ahmedabad: સુભાષ બ્રિજની જગ્યાએ બનશે 8 લેનનો નવો બ્રિજ, કરોડોનો ખર્ચ; જાણો પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો

અમદાવાદ શહેરની સાબરમતી નદી પર નવો 8 લેનનો સુભાષ બ્રિજ બનાવવા માટે દરખાસ્ત તૈયાર કરી દેવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 14 Jul 2026 09:37 AM (IST)Updated: Tue, 14 Jul 2026 09:37 AM (IST)
ahmedabad-new-subhash-bridge-8-lane-construction-project-cost-duration
Ahmedabad Subhash Bridge

Ahmedabad Subhash Bridge: અમદાવાદ શહેરના સાબરમતી નદી પર આવેલા મહત્વના સુભાષ બ્રિજ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. AMC તંત્ર દ્વારા સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડીને તેની જગ્યાએ નવો 8 લેનનો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા પ્રોજેક્ટથી ખર્ચ અને સમયગાળામાં કેટલાક મહત્વના ફેરફારો નોંધાયા છે.

2 વર્ષમાં તૈયાર થશે નવો 8 લેન બ્રિજ 

આ સંપૂર્ણ નવો બ્રિજ તૈયાર થતા અંદાજે 24 મહિના એટલે કે બે વર્ષનો સમય લાગશે. જોકે, વાહનચાલકોની સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એક સાઈડનો બ્રિજ 16 મહિનામાં પૂર્ણ કરી દેવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સુભાષ બ્રિજને તોડી પાડ્યા બાદ નવા બ્રિજના નિર્માણ માટે દરખાસ્ત તૈયાર કરી દેવામાં આવી છે.

પ્રોજેક્ટના ખર્ચમાં 5 કરોડનો વધારો 

આ પ્રોજેક્ટનો અગાઉનો અંદાજીત ખર્ચ રૂ. 236 કરોડ હતો. પરંતુ હવે સંપૂર્ણ બ્રિજ નવો બનાવવાનો હોવાથી કુલ ખર્ચમાં 5 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે, જેના કારણે નવો અંદાજીત ખર્ચ રૂ. 241 કરોડ થશે. આ અંગેની દરખાસ્ત અમદાવાદ મ્યુનિસિપલની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની આગામી શુક્રવારે મળનાર બેઠકમાં મૂકવામાં આવી છે.

શા માટે લેવો પડ્યો આવો નિર્ણય?

સુભાષ બ્રિજને ગત ડિસેમ્બર 2025 થી વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. અગાઉ માત્ર બ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડીને નવું બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા દિવસો પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે નિરીક્ષણ કરી જણાવ્યું કે, બ્રિજના જૂના પિલરોમાં પણ તિરાડો પડી છે. આ સ્થિતિને જોતા આખો બ્રિજ નવો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

કોન્ટ્રાક્ટર યથાવત રહેશે, જાણો શરતો

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બનવા જઈ રહેલા આ 8 લેનના નવા બ્રિજ માટે અગાઉની કોન્ટ્રાક્ટર એજન્સી દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઈન્ફ્રાકોન પ્રા. લી. ને યથાવત રાખવામાં આવી છે. નવી દરખાસ્તમાં એવી શરત છે કે કોન્ટ્રાક્ટરને સ્ટીલ, સિમેન્ટ, લેબર, બીટ્યુમિન, POL અને અન્ય મટિરિયલના ભાવ તફાવતની વધારાની રકમ ચૂકવવામાં આવશે.