Ahmedabad Kharicut Canal Project: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વાકાંક્ષી ખારીકટ કેનાલ કવરિંગ પ્રોજેક્ટમાં પ્રથમ વખત જાપાનની અત્યાધુનિક 'પ્રેસ-ઇન' સાયલન્ટ શીટ પાઈલીંગ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં વડોદરા એક્સપ્રેસ હાઈવે નજીક આ આધુનિક ટેકનોલોજીની મદદથી કેનાલ પર બોક્સ સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી ચાલી રહી છે.
શું છે જાપાનીઝ સાયલન્ટ પાઈલીંગ ટેકનોલોજી?
અત્યાર સુધી અમદાવાદમાં કેનાલ કે અન્ય પ્રોજેક્ટમાં બોક્સ સ્ટ્રક્ચર બનાવવા માટે 'વાઈબ્રો હેમર' ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો, જેમાં ભારે અવાજ અને કંપન થતું હતું. પરંતુ હવે, હાઇડ્રોલિક સિસ્ટમની મદદથી કોઈપણ પ્રકારની ધ્રુજારી કે મોટા અવાજ વિના શીટ પાઈલ્સને સીધી જમીનમાં દબાવવામાં આવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ અધિકારીના જણાવ્યા અનુસાર, કેનાલની પાળે ખોદાણ કરી માટી ધસતી અટકાવવા માટે સ્ટીલની શીટને જેક દ્વારા જમીનમાં ઉતારવામાં આવે છે, અને કેનાલને કવર કરવા માટે બોક્સનું નિર્માણ પૂરું થઈ ગયા બાદ આ સ્ટીલ શીટને સુરક્ષિત રીતે પાછી કાઢી લેવામાં આવે છે.

ઐતિહાસિક અને જૂની ઈમારતો માટે સુરક્ષિત
આ ટેકનોલોજીનો સૌથી મોટો અને મહત્વનો ફાયદો એ છે કે કામ દરમિયાન જમીનમાં વાઇબ્રેશન (ધ્રુજારી) લગભગ શૂન્ય રહે છે. જેના કારણે કેનાલની આસપાસ આવેલી જૂની ઈમારતો, રહેણાંક વિસ્તારો, મંદિરો અને ઐતિહાસિક સ્મારકોને નુકસાન થવાની શક્યતા નહિવત થઈ જાય છે.
હેરિટેજ સિટી તરીકે ઓળખાતા અમદાવાદ માટે આ જાપાનીઝ ટેકનોલોજી સાયલન્ટ પાઈલીંગ ખૂબ જ મહત્વની સાબિત થશે. કારણ કે, ભવિષ્યમાં સંવેદનશીલ વિસ્તારોમાં પણ આવા મોટા પ્રોજેક્ટ સુરક્ષિત રીતે પાર પાડી શકાશે.
નાગરિકો અને શહેરને ટેકનોલોજીથી શું ફાયદો?
આ પ્રોજેક્ટથી સામાન્ય અમદાવાદીઓને અનેક ફાયદા થશે:
- ઘોંઘાટથી મુક્તિ: સાયલન્ટ પાઈલીંગ દરમિયાન જરા પણ અવાજ ન આવતો હોવાથી આસપાસ રહેતા રહીશો, હોસ્પિટલના દર્દીઓ, શાળાના વિદ્યાર્થીઓ કે વેપારીઓને કોઈ જ તકલીફ પડશે નહીં.
- 24 કલાક કામગીરી અને ઝડપી પ્રોજેક્ટ: કામ દરમિયાન અવાજ ન થતો હોવાથી રાતના સમયે પણ 24 કલાક કામગીરી ચાલુ રાખી શકાશે, જેનાથી પ્રોજેક્ટ નિયત સમય કરતા વધુ ઝડપથી પૂર્ણ થશે.
- ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો: પ્રોજેક્ટ ઝડપથી પૂરો થવાને કારણે લોકોને લાંબા સમય સુધી ડાયવર્ઝન અને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
- પર્યાવરણને ફાયદો: આ પદ્ધતિમાં જમીનમાંથી કચરો ઓછો નીકળે છે અને સાથે જ તેમાં બાયોડિગ્રેડેબલ હાઈડ્રોલિક ઓઈલનો ઉપયોગ થતો હોવાથી પર્યાવરણને પ્રદૂષણથી પણ બચાવી શકાશે.
