જર્મનીમાં ફસાયેલી અરિહા શાહની વતન વાપસી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વચન, અમદાવાદમાં જૈન આચાર્ય સાથે બેઠકમાં કરી ચર્ચા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં જૈન આચાર્ય સાથે મુલાકાત કરી જર્મનીમાં ફોસ્ટર કેરમાં રહેલી અરિહા શાહને ભારત પરત લાવવાનું વચન આપ્યું. તેમણે ખાતરી આપી કે તેઓ આ કેસ પર સીધી નજર રાખી રહ્યા છે અને ટૂંક સમયમાં અરિહા વતન પરત ફરશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 17 Oct 2026 02:26 PM (IST)Updated: Sat, 17 Oct 2026 02:26 PM (IST)
amit-shah-ariha-shah-return-india-germany-foster-care-ahmedabad-jain-acharya-meeting

Ahmedabad News: જર્મનીના ફોસ્ટર કેરમાં સપડાયેલી ગુજરાતની માસૂમ બાળકી અરિહા શાહને ભારત પાછી લાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદની મુલાકાત દરમિયાન જૈન ગચ્છાધિપતિને વચન આપ્યું. જૈન ગચ્છાધિપતિ પ.પૂ. ઉદયપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબની સાથે બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે ખાતરી આપી કે, આ કેસ પર તેમની સીધી નજર છે અને ટૂંક જ સમયમાં દેશની દીકરી પોતાના વતન પરત ફરશે.

જૈન આચાર્ય સાથે 20 મિનિટ બેઠક

પ્રાપ્ત અહેવાલ પ્રમાણે, કેન્દ્રીય મંત્રી અમિત શાહ પાલડી વિસ્તારમાં આવેલા ગચ્છાધિપતિ પ.પૂ ઉદયપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબના દર્શન માટે ગયા હતા. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે 20 મિનિટ સુધી ચર્ચાઓ થઈ હતી. આ ખાસ બેઠકમાં 8 મિનિટ સુધી જૈન સમાજની દીકરી અરિહા શાહને જર્મનીમાંથી ભારત લાવવાના કેસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. તેઓએ જૈન આચાર્યને કહ્યું કે, મારું આ કેસ પર ધ્યાન છે. આ કેસ જલ્દી પૂરો કરીને ગુજરાતની દીકરીને વહેલી તકે વતન પાછી લાવવી છે. હું જૈન સમાજને આ બાબતે વચન આપું છું

કેવી રીતે વિખૂટી પડી અરીહા?

અમદાવાદના ધારાબેન લગ્ન બાદ પતિ સાથે જર્મની રહેવા માટે ગયા હતા. લગ્ન જીવન દરમિયાન દીકરી અરિહાનો જન્મ થયો હતો. આ ખુશીની પળમાં શામેલ થવા અને પૌત્રીને રમાડવા માટે દાદા-દાદી જર્મની ખાતે ગયા હતા. પરંતુ જ્યારે નાની અરિહા પોતાની દાદી પાસે હતી ત્યારે કોઈ અકસ્માતે તેના ગુપ્ત ભાગે ઈજા પહોંચી હતી. આથી બાળકીને જર્મનીની હોસ્પિટલે લઈ જવાઈ હતી. પહેલા તો પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી. પરંતુ જ્યારે માતા-પિતા બાળકીને રુટિન ફોલોઅપ માટે લઈ ગયા. ત્યારે જર્મન હોસ્પિટલ તંત્રે બાળકી પર અત્યાચારનો આક્ષેપ મૂકીને બાળકીને કસ્ટડીમાં લઈ લીધી હતી.

5 વખત ફોસ્ટર હોમ બદલાયા

નાની વયની અરિહા શાહ છેલ્લા લાંબા સમયથી જર્મનીમાં ફોસ્ટર કેરમાં દિવસો વિતાવી રહી છે. માત્ર પાંચ વર્ષની ઉંમરમાં તેને 5 વખત અલગ-અલગ ફોસ્ટર કેરમાં ટ્રાન્સફર કરવામાં આવી છે, જેના કારણે બાળકીને કોઈ સ્થિર વાતાવરણ મળી શક્યું નથી. હાલ સ્થિતિ એ છે કે માતા-પિતા મહિનામાં માત્ર બે જ વાર તેને મળી શકે છે. હવે માતા-પિતાના જર્મની વિઝા પૂર્ણ થવા આવ્યા હોવાથી આ મુલાકાતો પર પણ જોખમ ઊભું થયું છે.