Gujaratis kidnapped in Ethiopia: ગેરકાયદેસર રીતે અમેરિકા જવા નીકળેલા મહેસાણા અને ગાંધીનગરના એક જ પરિવારના 3 કૌટુંબિક યુવક-યુવતીઓનું ઈથોપિયામાં અપહરણ થયું છે. 20 સપ્ટેમ્બરે વિદેશ જવા નીકળેલા આ યુવક-યુવતીઓનું અપહરણ કરીને પરિવારો પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી છે. પરિવારજનોએ અગાઉ રૂ. 70 લાખ ચૂકવી દીધા હતા, છતાં છેલ્લા 3 દિવસથી તેમનો કોઈ પત્તો ન હોવાથી અંતે પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મહેસાણા-ગાંધીનગરના 3 કૌટુંબિક યુવક-યુવતી
અપહરણનો ભોગબનનાર લોકોમાં મહેસાણાના વડસ્મા ગામના 23 વર્ષીય યુવક ઋત્વિક શૈલેષભાઈ જનસારીનો સમાવેશ થાય છે. જ્યારે 30 વર્ષીય યુવતી મમતાબેન ચિરાગભાઈ ચાવડા મૂળ મહેસાણાના ગોઝારિયાની વતની છે, અને હાલ અમદાવાદમાં રહે છે. આ ઉપરાંત તેમની સાથે ગાંધીનગરની ગોપી નામની યુવતી પણ સામેલ છે, જેઓ આપસમાં કૌટુંબિક સગા થાય છે.
એજન્ટ મારફતે ડંકી માર્ગે અમેરિકા જવા નીકળ્યા
કડીના ડાંગરવા ગામના સ્થાનિક એજન્ટ અલ્પેશ પટેલ મારફતે આ ત્રણેય અમેરિકા જવા નીકળ્યા હતા. સ્થાનિક એજન્ટ અલ્પેશે મુખ્ય એજન્ટના ભરોસે ત્રણેયને 20 સપ્ટેમ્બરના રોજ ગુજરાતથી જયપુર મોકલ્યા હતા. જયપુરથી તેઓએતિહાદની ફ્લાઇટમાં અબુ ધાબી ગયા અને એ જ દિવસે ત્યાંથી ઈથોપિયાની રાજધાની એડિસ અબાબા પહોંચ્યા હતા.એડિસ અબાબાની સ્વાઝીલેન્ડ સ્ટ્રીટમાં આવેલા GSF કેમ્પ / ગેસ્ટ હાઉસમાં તેઓ રોકાયા હતા, જ્યાં તેમનું 20 થી 29 સપ્ટેમ્બર સુધીનું બુકિંગ હતું. તેમણે 19 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોબર સુધીના એક મહિનાના ઈથોપિયાના ઈ-વિઝા લીધા હતા. એડિસ અબાબા પહોંચ્યા બાદ ત્યાંના સ્થાનિક અપહરણકાર એજન્ટોએ તેમનું અપહરણ કરી લીધું હતું.
70 લાખ પડાવ્યા, પછી માંગી 1 કરોડની ખંડણી
સ્થાનિક એજન્ટે પરિવારજનો પાસેથી કટકે-કટકે રૂ. 70 લાખ મેળવી લીધા હતા અને ત્રણેય કેનેડા પહોંચી ગયા હોવાનું પરિવારને જણાવ્યું હતું. ત્યારબાદ 'હવે કેનેડાથી અમેરિકા જવા નીકળે છે' તેમ કહ્યા પછી અચાનક ત્રણેયનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.ત્યારબાદ 'ખાન' નામના શખ્સે ફોન કરીને ત્રણેયને છોડાવવાના બદલામાં 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ત્રણેય યુવક-યુવતીઓના પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી તેમણે 1 કરોડ રૂપિયાની ખંડણી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.
સાથે ગયેલા કલોલના યુવકનો છુટકારો, પોલ ખુલી
આ ત્રણેય કૌટુંબિક સાથે કલોલનો એક યુવક પણ ગયો હતો. તેના પરિવારે 70 લાખ રૂપિયા ચૂકવી દેતા અપહરણકારોએ તેને છોડી દીધો અને તે યુવક સુરક્ષિત ગુજરાત પરત આવી ગયો છે. આ યુવક પાછો આવ્યા બાદ સમગ્ર અપહરણકાંડની વિગતો બહાર આવી હતી. હાલમાં મુક્ત થયેલો આ યુવક અને તેનો પરિવાર બાકીના 3 યુવક-યુવતીઓને છોડાવવામાં મદદ કરી રહ્યો છે.
એજન્ટ ગુમ, યમન ગયેલા અન્ય લોકોનો પત્તો નથી
અપહૃત લોકોના પરિવારમાંથી એક પરિવારે અગાઉ ખંડણી ચૂકવી હતી, તેમ છતાં છેલ્લા 3 દિવસથી કોઈ સંપર્ક ન થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું કે, એજન્ટ અલ્પેશ પટેલે વડોદરાના અન્ય કોઈ એજન્ટને આ કામ સોંપ્યું હતું, પરંતુ હાલમાં અલ્પેશ ક્યાં છે તેની કોઈ માહિતી નથી. આશ્ચર્યજનક બાબત એ છે કે આ લોકો પહેલાં બીજા દસેક જેટલા લોકો પણ યમન ગયા હતા, જેમનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
