Ahmedabad: AMC દ્વારા મતદારયાદીઓની પ્રિન્ટ તૈયાર કરવા ટેન્ડર જાહેર, મે-જૂનમાં મનપાની ચૂંટણી યોજાય તેવી શક્યતા

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના 48 વોર્ડ માટે મતદાર યાદીઓની પ્રિન્ટ તૈયાર કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 17 Feb 2026 06:59 PM (IST)Updated: Tue, 17 Feb 2026 06:59 PM (IST)
amc-tender-to-prepare-voter-lists-printout-before-municipal-elections-2026
HIGHLIGHTS
  • ચૂંટણી આયોગના કેલેન્ડર મુજબ કામગીરી કરવાની રહેશે
  • મે-જૂનમાં અમદાવાદ મનપાની ચૂંટણી યોજાવાની શક્યતા
  • 60 લાખના ખર્ચે મતદાર યાદી પ્રિન્ટ કરવામાં ટેન્ડર જાહેર

Ahmedabad news: ગુજરાતમાં ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીઓ પહેલા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના 48 વોર્ડ માટે મતદાર યાદીઓની પ્રિન્ટ તૈયાર કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી મે-જૂન મહિનામાં યોજાય તેવી શક્યતા છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના તમામ 48 વોર્ડના મતદારોના ફોટા, નામ, સરનામું, સહિતની તમામ માહિતી ધરાવતી મતદારયાદી તૈયાર કરવામાં આવશે. મતદાર યાદીઓની પ્રિન્ટ તૈયાર કરવા માટે અમદાવાદ મનપા દ્વારા રૂ. 60 લાખનો ખર્ચ કરવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ ટેન્ડર આગામી 23 ફેબ્રુઆરી સુધીમાં ભરવાનું રહેશે. જે બાદ 25 ફેબ્રુઆરીના રોજ ટેન્ડર ખોલવામાં આવશે. 

આ તમામ પ્રક્રિયામાં લગભગ એક મહિનો થવાની શક્યતા છે. SIR પ્રક્રિયા પૂર્ણ થયા પછી આજે 17 ફેબ્રુઆરીના રોજ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મતદારયાદી પરથી અમદાવાદ મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 1 થી 48 ની વોર્ડવાર મતદારયાદીઓ તૈયાર કરવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકાના તમામ વોર્ડની વોર્ડવાર/ વિભાગવાર ફોટાવાળી મતદારયાદીઓ તૈયાર કરવાની થાય છે. તમામ વોર્ડની મતદારયાદીઓની એક હાર્ડ કોપી, એક સોફ્ટ કોપી તથા નિયત કરવામાં આવેલ પત્રક નમુનો-ક, નમુનો-ખ, નમુનો-2 અને વોર્ડવાર ઈન્ડેક્ષ અને હદ વર્ણન આવશે. દરેક વોર્ડની મતદારયાદીઓની અંદાજે 50 નકલોની જરૂર રહેશે.

આપને જણાવી દઈએ કે, હયાત હોદ્દેદારોની મુદત 9 માર્ચ, 2026 ના રોજ પૂરી થઈ રહી છે. જે બાદ 10 માર્ચ, 2026થી મહાનગરપાલિકામાં વહીવટદારોનું શાસન અમલમાં આવશે. ત્યારે એક અંદાજ અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી મે-જૂન મહિનામાં યોજાય તેવી શક્યતા છે. ચૂંટણી જાહેર થયા પછી 25 દિવસ જેટલી આચારસંહિતા લાગુ કરવામાં આવશે.