અમદાવાદ: નાના ચિલોડા નજીક AMCની ડિમોલિશન કાર્યવાહી, 31 ગેરકાયદે દબાણો જમીનદોસ્ત; SP રિંગરોડનો સર્વિસ રોડ ખુલ્લો થશે

ગેરકાયદે દબાણો દૂર કરી એસ.પી. રિંગ રોડ પરના 900 મીટર લાંબા સર્વિસ રોડને રોડ ખુલ્લો કર્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 05 Oct 2026 11:45 AM (IST)Updated: Mon, 05 Oct 2026 11:45 AM (IST)
ahmedabad-sp-ring-road-nana-chiloda-illegal-encroachment-demolition-amc-action
AMC Demolition Action

Ahmedabad SP Ring Road Demolition: અમદાવાદ શહેરમાં સતત વધતી ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા અને રસ્તાઓ પહોળા કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી તેજ કરવામાં આવી છે. કામગીરીના ભાગરૂપે ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે એસ.પી. રિંગ રોડ પર નાના ચિલોડા સર્કલ નજીક સર્વિસ રોડ પરથી 31 ગેરકાયદે દબાણો દૂર કરીને 900 મીટર લાંબો રોડ ખુલ્લો કર્યો છે.

નાના ચિલોડા પાસે ડિમોલિશન, 31 દબાણો હટાવ્યા

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા એસ.પી. રિંગ રોડ પર નાના ચિલોડા સર્કલ નજીક સર્વિસ રોડ પર ગેરકાયદે રીતે ખાણીપીણી તેમજ અન્ય નાના-મોટા કોમર્શિયલ કાચા-પાકા દબાણો ખડકાયેલા હતા. રિંગ રોડ પર વાહનોની સંખ્યા અને ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્યું હોવાથી વાહન-વ્યવહાર સુગમ બનાવવા અને રોડ પહોળો કરવા માટે આ સર્વિસ રોડ ખુલ્લો કરવો અત્યંત જરૂરી બન્યો હતો.

આ ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગની ટીમે આજે 5 ઓક્ટોબર, સોમવારના રોજ સવારે મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. AMC એસ્ટેટ ટીમે 1 હિટાચી અને 2 જેસીબીની મદદથી આશરે 900 મીટર લાંબા રોડ પર નડતરરૂપ એવા તમામ 31 ગેરકાયદે દબાણને જમીનદોસ્ત કરી સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા હતા. જે બાદ સર્વિસ રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

અદાણી સર્કલ નજીક ભુવો, રામોલ-વસ્ત્રાલનું ડાયવર્ઝન

બીજી તરફ, સરદાર પટેલ રિંગ રોડ પર રામોલ અને વસ્ત્રાલને જોડતા અદાણી સર્કલ નજીક મુખ્ય માર્ગને અડીને મસમોટો ભૂવો પડતા વાહનચાલકોની સલામતી સામે સવાલો ઉભા થયા છે. ભૂવાને કારણે અકસ્માત કે ટ્રાફિક સર્જાય નહીં તે માટે તંત્ર દ્વારા સ્થળ પર બેરિકેડ મૂકીને વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો છે.

નેશનલ હાઇવે ઓથોરિટી અને ઓડા (AUDA) દ્વારા રામોલ-વસ્ત્રાલ તરફ અવરજવર કરતા વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સતત ધમધમતા આ મુખ્ય માર્ગ પર ડાયવર્ઝન અપાતાં, ખાસ કરીને પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું ભારે ભારણ વધતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.