AMC Food Action: અમદાવાદમાં અસુરક્ષિત અન્ન અને ભેળસેળ વિરુદ્ધ AMCની લાલ આંખ

અમદાવાદમાં AMC ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ અને ભ્રામક નામોથી વેચાણ કરતા એકમો સામે કડક દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 18 Nov 2026 03:08 AM (IST)Updated: Wed, 18 Nov 2026 03:08 AM (IST)
amc-takes-a-stern-stance-against-unsafe-food-and-adulteration-in-ahmedabad
AIની મદદથી તસવીર જનરેટ કરાઈ છે.

AMC Food Action: નાગરિકોના સ્વાસ્થ્ય અને જાહેર આરોગ્યની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ વિભાગ અંતર્ગત આવતા ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના તમામ ઝોન અને વોર્ડ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. ‘ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006’ (FSSA-2006)ના કાયદાકીય નિયમો અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી શહેરમાં વેચાતી ખાધ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને શુદ્ધતા અબાધિત રહે.

સઘન તપાસ ઝુંબેશ અને નિયમોનું પાલન

AMCના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરભરમાં ખાધ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમો, ગોડાઉન, વેચાણ કેન્દ્રો અને વિતરણ સાથે સંકળાયેલા તમામ ધંધાકીય એકમો પર અચાનક તપાસણી કરવામાં આવે છે. આ ચેકિંગ દરમિયાન કેટલીક બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે, જેમકે-

  • ખાધ્ય પદાર્થોની ઓરિજિનલ ગુણવત્તા અને તાજગી.
  • એકમોમાં જાળવવામાં આવતી સ્વચ્છતા અને હાઈજિનિક પરિસ્થિતિઓ.
  • ખાદ્ય પદાર્થો સંગ્રહ કરવાની વૈજ્ઞાનિક અને યોગ્ય પદ્ધતિઓ.
  • ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના નિયમોનું કડક પાલન થાય છે કે નહીં.

તપાસ દરમિયાન જ્યાં પણ શંકાસ્પદ કે નિયમોનું ઉલ્લંઘન જ જણાય ત્યાં અધિકારીઓ દ્વારા ખાધ્ય પદાર્થોના કાયદેસરના નમૂના (Samples) લેવામાં આવે છે અને તેને પૃથ્થકરણ (Lab Testing) માટે મોકલવામાં આવે છે. નિયમો વિરુદ્ધ કામ કરતા એકમોને નોટિસ ફટકારવાની સાથે દંડ વસૂલવાની કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવે છે.

1 નવેમ્બરથી 16 નવેમ્બર 2026દરમિયાન થયેલી કામગીરીના આંકડાકીય અહેવાલ

ચોક્કસ સમયગાળા (તા. 01/11/2026 થી 16/11/2026) દરમિયાન ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો સત્તાવાર ડેટા જોઈએ તો-

વિવિધ પ્રકારની મીઠાઈઓ

65 નમૂના દુધ અને દુધની બનાવટો સંબંધિત નમૂનાઓની ચકાસણી કરાઈ
મુખવાસ: નિયત સંખ્યામાં નમૂના લીધા
બેકરી પ્રોડક્ટ્સ: નિયમિત તપાસ
નમકીન: 21 નમૂના
અન્ય ખાદ્ય ચીજો: 33 નમૂના
કુલ લેવાયેલા નમૂના: 141

આ કુલ 141 નમૂનાઓમાંથી કલેક્ટ કરવામાં આવેલ સેમ્પલ્સ પૈકી 4 ખાધ્ય નમૂનાઓ તદન અપ્રમાણીત (Substandard / Unsafe) જાહેર કરવામાં આવ્યા છે. આ ચારેય ફૂડ બિઝનેસ ઓપરેટર્સ સામે કાયદેસરની લાલ આંખ કરવામાં આવી છે.

અપ્રમાણિત અને અસુરક્ષિત જાહેર થયેલા નમૂનાઓની વિગતવાર યાદી

લેબ રિપોર્ટમાં ફેલ થયેલા અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા એકમોની વિગતો આ મુજબ છે-

વિવેક ચાઇના ટાઉન-લારી (આંબાવાડી, અમદાવાદ): અહીંથી લેવાયેલ 'લો ફેટ પનીર' (ફેટ %)નું સેમ્પલ લેબ તપાસમાં 'સબસ્ટાન્ડર્ડ' (Substandard) જાહેર થયું છે.

પટેલ ચતુરભાઇ શીવરામ (માણેકચોક, અમદાવાદ): આ પેઢીમાંથી લેવાયેલ 'મીઠો માવો' પણ ગુણવત્તાની કસોટીમાં 'સબસ્ટાન્ડર્ડ' સાબિત થયો છે.

શિવ શક્તિ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ (વટવા, અમદાવાદ): અહીંનું 'મિક્ષ ચવાણું' (પરમિટેડ ફૂડ કલરવાળું)નું સેમ્પલ પણ 'સબસ્ટાન્ડર્ડ' હોવાનું બહાર આવ્યું છે.

એચ.એમ. વરખવાલા પ્રા.લી. (કાલુપુર સર્કલ પાસે, અમદાવાદ): આ કંપની દ્વારા વેચાતી 'Silver Leaves' (ચાંદીના વરખ) ની આઇટમ અત્યંત ગંભીર બાબતમાં 'અનસેફ ફૂડ' (Unsafe Food) જાહેર કરવામાં આવી છે.

વિશેષ વહીવટી કામગીરી અને દંડાત્મક આંકડા

આ બે અઠવાડિયાના ટૂંકા ગાળામાં AMCના ફૂડ વિભાગ દ્વારા વ્યાપક ડ્રાઈવ યોજવામાં આવી હતી-

  • તપાસ કરેલ કુલ ખાદ્ય ધંધાકીય એકમો: 478
  • ઇસ્યુ કરવામાં આવેલી કુલ નોટિસ: 148
  • બિનાઅરોગ્યપ્રદ અને અખાદ્ય પદાર્થનો નાશ: 2,832 કિલોગ્રામ / લીટર
  • વસૂલ કરવામાં આવેલ વહીવટી ચાર્જ/દંડ: રૂ. 4,34,000/-
  • કરેલા ટી.પી.સી. (TPC) ટેસ્ટની સંખ્યા: 115

ખાદ્યપદાર્થો ભ્રામક નામે વેચનાર સામે AMCની કડક લાલ આંખ

તાજેતરની તપાસમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે કેટલાક ખાદ્ય વ્યવસાયીઓ ઉત્પાદક કે સપ્લાયર પાસેથી કોઈ ચોક્કસ વસ્તુ અલગ નામે ખરીદે છે, પરંતુ ગ્રાહકોને મેનુ, ડિસ્પ્લે બોર્ડ, ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ્લિકેશન કે બિલમાં તે તદ્દન ખોટા કે ભ્રામક નામે વેચે છે. દાખલા તરીકે, ઉત્પાદકના પેકેટ પર 'વેનિલા ફ્રોઝન ડેઝર્ટ' લખ્યું હોય પરંતુ ગ્રાહકને હોટલના મેનુમાં તે 'વેનિલા આઈસક્રીમ' તરીકે વેચવામાં આવે છે.

આ પ્રકારના ભ્રામક વેચાણના મુખ્ય ઉદાહરણો જોઈએ તો-

આઈસક્રીમની જગ્યાએ: વનસ્પતિ ચરબીવાળું ફ્રોઝન ડેઝર્ટ વેચવું.
ચીઝની જગ્યાએ: વનસ્પતિ ચરબી આધારિત ચીઝ વિકલ્પ આપવો.
બટરની જગ્યાએ: વનસ્પતિ ચરબી આધારિત સ્પ્રેડ આપવું.
ટમેટો કેચપની જગ્યાએ: ટમેટોના સ્વાદવાળી સસ્તી ચટણી કે 'સ્નેક ટચ-અપ' લેબલ કરેલું ઉત્પાદન ધાબડવું.
લુઝ ઘીમાં ભેળસેળ: અમુક ડેરીઓમાં વેચાતા લુઝ ઘીમાં વેજીટેબલ ફેટ ભેળવીને વેચવામાં આવે છે.

આ સિવાય શુદ્ધ ઘીમાં વનસ્પતિ તેલ/ઘીની ભેળસેળ, શુદ્ધ મધમાં ખાંડની ચાસણી, કેસર તરીકે રંગેલા વનસ્પતિ રેસા, ચાંદીના વરખ તરીકે એલ્યુમિનિયમની પરત અને કાળા મરીમાં સૂકવેલા પપૈયાના બીજ ભેળવવાની ગેરરીતિઓ સામે આવી રહી છે.

ધંધાકીય એકમો અને ગ્રાહકો માટે AMCની સૂચનાઓ તથા અપીલ

વ્યવસાયીઓ માટે: હોટલ, રેસ્ટોરાં, બેકરી, સ્વીટ માર્ટ અને કેટરર્સ વગેરેએ ગ્રાહકોને હંમેશા સાચું અને અસલી ઉત્પાદન જ વેચવું. મેનુ કે બિલમાં ભ્રામક નામોનો ઉપયોગ ટાળવો તેમજ ખરીદીના અસલ બિલ અને ઉત્પાદકના મૂળ લેબલ હંમેશા તપાસ માટે ઉપલબ્ધ રાખવા. જો નિયમો ભંગ થય જણાશે તો એકમોને સીલ કરવા તેમજ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કડક કાર્યવાહી કરાશે.

નાગરિકો/ગ્રાહકો માટે અપીલ: કોઈપણ ખાદ્યપદાર્થ ખરીદતી વખતે તેનું લેબલ અને નામ અવશ્ય ચકાસો, પાક્કું બિલ ચોક્કસ મેળવો. જો ક્યાંય પણ ભ્રામક વેચાણ કે ભેળસેળ જણાય, તો બિલ, મેનુ કે ફોટો સાથે તાત્કાલિક AMCના ફૂડ સેફટી વિભાગને સત્તાવાર રીતે જાણ કરો.

આગામી દિવસોમાં પણ AMCની ટીમ દ્વારા હાઈજિનિક કન્ડિશન અને લાયસન્સ બાબતે સઘન ચેકિંગ ચાલુ જ રહેશે અને વગર લાયસન્સે કે નિયમો વિરુદ્ધ ધંધો કરતા એકમો સામે FSSAI / GPMC એક્ટ હેઠળ કઠોર પગલાં લેવામાં આવશે.