AMC Standing Committee: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીની સાપ્તાહિક બેઠક ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ, નાગરિકોને મળતી સુવિધાઓ તેમજ વહીવટી અને વિકાસલક્ષી કામગીરીના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમકે-
શાકભાજીના થડાં બાબતે એસ્ટેટ વિભાગને કડક સૂચના
શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને નાગરિકોને સરળતાથી શાકભાજી મળી રહે તે માટે AMC દ્વારા અનેક સ્થળોએ શાકભાજીના થડાં બનાવવામાં આવ્યા છે. જોકે, કેટલાક થડાં ખાલી રહેતા હોવાનું અને ગ્રાહકોની અવરજવર ન હોવાને કારણે તેનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાનું ધ્યાને આવ્યું છે.
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એસ્ટેટ વિભાગને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે ડ્રો દ્વારા જે વેપારીઓને થડાં ફાળવવામાં આવ્યા છે, તેઓ પોતાની નિશ્ચિત જગ્યાએ જઈને જ વેપાર કરે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
અગાઉ સમજાવટ છતાં વેપારીઓ ન જતાં હવે કડકાઈથી કાર્યવાહી કરવા અને ગેરકાયદેસર રીતે રોડ પર દબાણ કરનારાઓને હટાવવા આદેશ કરાયો છે.
AMTS બસના ભાડા ઘટાડવા નવી નીતિ ઘડાશે
સામાજિક પ્રસંગો અને લગ્નોમાં AMTS બસનો ઉપયોગ વધે તે માટે ભાડામાં ઘટાડો કરવાની નવી નીતિ તૈયાર કરવા સૂચના અપાઈ છે. હાલમાં એક તરફ જવાના રૂ. 4,000 અને પરત આવવાના રૂ. 4,000 એમ કુલ રૂ. 8,000 ખર્ચ થવા છતાં માત્ર 30 લોકોને જ લઈ શકાતા હોવાથી લોકો ખાનગી બસો પસંદ કરે છે, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
ચાંદખેડામાં અધૂરા રોડ મૂકનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા નોટિસ
ચાંદખેડા વિસ્તારમાં શ્રીજી ઈન્ફ્રા સ્પેસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા હાથ ધરાયેલા રૂ. 3.61 કરોડના રોડ વાઈડનિંગ અને રિસરફેસિંગ સહિતના કામો ત્રણ-ચાર મહિના વીતી જવા છતાં અધૂરા છોડી દેવાયા હતા. અગાઉ આપેલી નોટિસનો સંતોષકારક જવાબ ન મળતાં, આજે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે નોટિસ આપવાની સૂચના અપાઈ છે.
ફટાકડાના વેચાણ માટેના નિયમો જાહેર
આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ફટાકડા વેચાણ માટેના નિયમો સ્પષ્ટ કરાયા છે:
બંધ મકાનમાં: AMCની બીયુ મંજૂરી સાથે પોલીસ અને ફાયર વિભાગની NOC મેળવવી ફરજિયાત છે.
ખુલ્લા પ્લોટમાં: ફાયર અને પોલીસ વિભાગની NOC તથા નિયમોનુસાર શેડની વ્યવસ્થા કરી વેચાણ કરી શકાશે.
એકા ક્લબ સામે રૂ. 20 કરોડની ટેક્સ વસૂલાતનો મામલો
એકા ક્લબ દ્વારા ટેક્સ આકારણીના ફેક્ટર ગુણાંક અંગે હાઈકોર્ટમાં રિટ અરજી કરાઈ હતી. તપાસમાં ક્લબ પરિસરમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત હોટલ, રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ એકમો ધમધમતા હોવાનું બહાર આવ્યું છે. ક્લબ પાસેથી અંદાજે રૂ. 20 કરોડનો ટેક્સ બાકી છે. કોર્પોરેશનનું હિત જળવાઈ રહે અને ખોટો દાખલો ન બેસે તે માટે હાઈકોર્ટમાં મજબૂત રજૂઆત કરવા વકીલ અને લિગલ કમિટીને સૂચના આપવામાં આવી છે.
