AMC સ્ટેન્ડિંગ કમિટીના મોટા નિર્ણયો; કાંકરિયા ખાતે શરૂ થશે 'વિંગ્સ ઓવર કાંકરિયા' પક્ષીદર્શન પ્રોજેક્ટ, દશેરા પર ફાફડા-જલેબીના સ્ટોલ્સનું સઘન ચેકિંગ કરાશે

AMC સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કાંકરિયા ખાતે ‘વિંગ્સ ઓવર કાંકરિયા’ પ્રોજેક્ટને મંજૂરી અપાઈ. આ ઉપરાંત ગરબા પ્લોટ સીલિંગ અને ગટરમાં પડેલી બાળકીની તપાસ માટે CCTVના આદેશ કરાયા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 15 Oct 2026 11:24 PM (IST)Updated: Thu, 15 Oct 2026 11:24 PM (IST)
amc-standing-committee-decisions-kankaria-bird-project-dussehra-checks

AMC Standing Committee Decision: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીની સાપ્તાહિક બેઠકમાં આજે કમિટીના ચેરમેન કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને શહેરીજનો, પ્રકૃતિપ્રેમીઓ અને નાગરિક સુરક્ષાને લગતા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે.

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ‘વિંગ્સ ઓવર કાંકરિયા’ નવતર પ્રયોગ

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે શિયાળાની ઋતુ દરમિયાન દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય અને પ્રવાસી પક્ષીઓ આવે છે. પક્ષીપ્રેમીઓ અને બાળકો આ પક્ષીઓને નજીકથી નિહાળી શકે તેમજ તેમના વિશે માહિતી મેળવી શકે તે માટે AMC દ્વારા “વિંગ્સ ઓવર કાંકરિયા” પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

આ માટે કોર્પોરેશન દ્વારા ખાસ બાયનોક્યુલર ખરીદવામાં આવશે. કાંકરિયા ઝૂના નિષ્ણાત સ્ટાફના માર્ગદર્શન હેઠળ દરરોજ સવારે 2 કલાક અને સાંજે 2 કલાક મુલાકાતીઓને બાયનોક્યુલરથી પક્ષીઓનું અવલોકન કરાવવામાં આવશે અને પક્ષીઓની વિશેષતાઓ અંગે માહિતગાર કરાશે.

નારોલમાં ગટરમાં પડેલી બાળકીની શોધખોળ માટે CCTVથી તપાસ

ગત 10 ઓક્ટોબરના રોજ નારોલ-પીરાણા રોડ પર 40 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પડી ગયેલી 10 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકીની સતત છ દિવસથી ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલી રહી છે. કમિટીમાં બાળકીની ભાળ મેળવવા કામગીરી વધુ ઝડપી બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગટર લાઈનથી પમ્પિંગ સ્ટેશન અને પમ્પિંગ સ્ટેશનથી સાબરમતી નદીના કિનારા સુધીની આખી લાઈનમાં CCTV પદ્ધતિથી અંદર ચેકિંગ કરવાનો નિર્ણય લેવાયો છે.

રૂ. 39 લાખ ભાડું ના ભરતાં જગતપુરનો ગરબા પ્લોટ સીલ

જગતપુર ખાતે આવેલા AMCના પ્લોટમાં આશિષ પટેલ નામના આયોજકે ગરબા માટે ઓનલાઈન અરજી કરી હતી. નિયમ મુજબ ભાડું અને ડિપોઝિટ મળીને રૂ. 39 લાખ ભરવાના થતા હતા. રકમ ભરવાની સમયમર્યાદા પૂરી થવા છતાં ડિમાન્ડ નોટ મુજબ પૈસા ન ચુકવવામાં આવતા કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા આ ગરબા પ્લોટને સીલ કરી દેવામાં આવ્યો છે.

દશેરા પર ફાફડા-જલેબીના સ્ટોલ્સનું કડક ચેકિંગ

આગામી વિજયાદશમી (દશેરા)ના તહેવારને ધ્યાને રાખીને શહેરમાં ઠેર-ઠેર લાગતા ફાફડા-જલેબીના સ્ટોલ્સ પર વેચાતી વાનગીઓની ગુણવત્તા ચકાસવા માટે ફૂડ વિભાગને સૂચનાઓ આપી દેવાઈ છે. આ સાથે વેપારીઓ દ્વારા ફૂટપાથ કે રસ્તા પર ગેરકાયદે દબાણ ન થાય તે બાબતે પણ કડક નજર રાખવામાં આવશે.