AMC Food Department: શહેરમાં નાગરિકો અને ખાસ કરીને બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય એકમો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ ફૂડ વિભાગે કડક ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે આજે હિરાવાડી વિસ્તારમાં આવેલી લોલીપોપ બનાવતી એક ફેક્ટરીમાં અચાનક તપાસ હાથ ધરીને ગંભીર બેદરકારી સામે આવતા એકમને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યું છે.
રીટેલરના લાયસન્સ પર ચાલતું હતું મેન્યુફેક્ચરિંગ!
AMC ફૂડ વિભાગની ટીમે હિરાવાડીમાં જી.ડી. હાઇસ્કૂલ રોડ પર લક્ષ્મી એસ્ટેટ ખાતે આવેલા 'મનન ફૂડ' (શેડ નં. 350/બી/3)માં દરોડો પાડ્યો હતો. આ એકમના માલિક નરેશભાઈ ઘનશ્યામભાઈ મંગવાણી દ્વારા ‘સુગર બોઇલ્ડ કન્ફેક્શનરી-લોલીપોપ મિક્સ ફ્લેવર’નું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. તપાસ દરમિયાન અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી.
નિયમ ભંગ: ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ માત્ર રીટેલરનું લાયસન્સ મેળવીને ગેરકાયદેસર રીતે લોલીપોપનું મોટો પાયે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હતું.
શિડ્યુલ 4નું ઉલ્લંઘન: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006ના શિડ્યુલ 4 મુજબના કોઈ પણ હાઇજેનિક નિયમોનું પાલન થતું નહોતું.
અત્યંત ગંદકી અને ભંગાર: ખાદ્ય પદાર્થ બનતો હોવા છતાં જગ્યા પર ભારે ગંદકી અને ખરાબ ભંગાર પડ્યો હતો.
કારીગરોની બેદરકારી: કામ કરતા કારીગરોએ કેપ, એપ્રન કે ગ્લોવ્ઝ પહેર્યા ન હતા અને તેમની પાસે મેડિકલ ફિટનેસ રિપોર્ટ પણ નહોતા.
1500 કિલો લોલીપોપનો જથ્થો સીઝ કરાયો
જાહેર આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને AMC ફૂડ વિભાગે 'મનન ફૂડ' વાળી જગ્યાને તાત્કાલિક અસરથી સીલ મારી દીધું છે. આ ઉપરાંત વેચાણ અર્થે તૈયાર રખાયેલો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રોડક્ટ: સુગર બોઇલ્ડ કન્ફેક્શનરી - લોલીપોપ મિક્સ ફ્લેવર
કુલ જથ્થો: 1,500 કિલોગ્રામ
અંદાજિત કિંમત: ₹ 4,50,000/-
AMCની ચેતવણી: તમામ ખાદ્ય એકમો પર યોજાશે સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરના તમામ ખાદ્ય પદાર્થો બનાવતા અને વેચતા એકમોનું લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હાઇજેનિક કન્ડિશન અંગે સઘન ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. નિયમોનું પાલન ન કરનારા કે લાયસન્સ વગર ધંધો કરનારાઓ સામે FSSA / GPMC એક્ટ હેઠળ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
