અમદાવાદ: જાહેરમાં ગંદકી ફેલાવતા એકમો ચેતજો! AMC દ્વારા કાઠિયાવાડી રેસ્ટોરન્ટ સહિત 2 એકમ સીલ

જાહેર માર્ગ પર ગંદકી કરવાના નિયમોનો ભંગ કરતા એકમો સામે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 19 Nov 2026 10:09 PM (IST)Updated: Thu, 19 Nov 2026 10:09 PM (IST)
amc-seals-kathiyawadi-restaurant-prime-health-club-for-spread-trash-on-public-road-ahmedabad
AI Generated Image

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર આરોગ્યના હિતમાં ગંદકી અને ન્યૂસન્સ ફેલાવતા ધંધાકીય એકમો સામે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત જાહેર માર્ગ પર ગંદકી કરવા સહિતના નિયમોનો ભંગ કરતા બે એકમોને સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે.

જાહેરમાં ગંદકી ફેલાવતા એકમો સામે ઝુંબેશ

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના તમામ વોર્ડમાં આવેલા જાહેર માર્ગ પર ગંદકી કરતા ધંધાકીય એકમો, શાકભાજી વેચતા ફેરિયા, પાનના ગલ્લા, ચાની લારી તથા પેપરકપ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ કે ઉત્પાદન કરનારા તેમજ ધંધાકીય એકમમાં કચરાપેટી ન રાખતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી GPMC એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ ચલાવવામાં આવી રહી છે.

સવાર-સાંજ AMCની સ્પેશિયલ સ્કોડ કાર્યરત

આ કાયદેસરની કાર્યવાહી દૈનિક ધોરણે દિવસ દરમિયાન કરવામાં આવે છે અને અસરકારક કામગીરી થાય તે માટે સવાર અને સાંજના સમયે સ્પેશિયલ સ્કોડ પણ કાર્યરત કરવામાં આવી છે. સત્તાવાર માહિતી અનુસાર ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા એક જ દિવસમાં કુલ 50 જેટલા ધંધાકીય એકમોની તપાસ કરવામાં આવી હતી.

આ દરમિયાન ગંદકી અને નિયમોના ભંગ બદલ 25 એકમોને નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી. વધુમાં, 1 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નિયમ ભંગ કરનારા એકમો પાસેથી રૂ. 23,200 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

નિયમભંગ બદલ 2 મોટા ધંધાકીય એકમો સીલ

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોના ઉલ્લંઘન અને જાહેર માર્ગ પર ગંદકી કરવા બદલ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 2 ધંધાકીય એકમો સીલ કરવામાં આવ્યા છે:

  • પ્રાઈમ હેલ્થ ક્લબ: કે.કે. નગર, ઘાટલોડિયા (ગંદકી કરવા બદલ સીલ)
  • કાઠિયાવાડી રેસ્ટોરન્ટ: SP રિંગ રોડ, થલતેજ (ગંદકી કરવા બદલ સીલ)

જાહેર આરોગ્ય માટે કડક પગલા લેવાની ચેતવણી

શહેરીજનોના સ્વાસ્થ્ય તેમજ આરોગ્ય સાથે ચેડાં કરતા અને જાહેર રોડ પર ગંદકી કરતા ધંધાકીય એકમો સામે જાહેર આરોગ્યના ઉમદા હેતુસર આગામી દિવસોમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સખત પગલાં લેવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા આપવામાં આવી છે.