અમદાવાદના GIDC વિસ્તારોમાં કચરા માટે અલગ પોલિસી બનશે, AMC સ્ટેન્ડિંગ કમિટીનો મોટો નિર્ણય

19 નવેમ્બર, ગુરુવારે મળેલી AMC સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરી વિકાસ માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 19 Nov 2026 09:43 PM (IST)Updated: Thu, 19 Nov 2026 09:43 PM (IST)
amc-gidc-waste-collection-policy-trimming-vans-danapith-fire-station-ahmedabad

Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરના વટવા, નરોડા, કઠવાડા, નારોલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં આવેલા GIDC વિસ્તારોમાંથી ઘન કચરો એકત્ર કરવા માટે ટૂંક સમયમાં નવી પોલિસી તૈયાર કરવામાં આવશે. આ સુવિધા માટે GIDC વસાહતો પાસેથી નિયત ચાર્જ વસૂલવાની વિચારણા કરવામાં આવી રહી છે.

મહત્વપૂર્ણ AMC સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળી

19 નવેમ્બર, ગુરુવારે યોજાયેલી AMC સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરી વિકાસ માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, GIDC વિસ્તારમાં કચરો ઉપાડવાની વ્યવસ્થા, દાણાપીઠ ફાયર સ્ટેશનની કામગીરીમાં વિલંબ, ટ્રીમિંગ વાનની ખરીદી, શાકભાજી માર્કેટના લાભાર્થીઓ અને કોમ્યુનિટી હોલની સુવિધાઓ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

GIDC વિસ્તારોમાંથી કચરો ઉપાડવા માટે ચાર્જ

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરના વિવિધ GIDC વિસ્તારોમાંથી કચરો એકત્ર કરવા અંગે મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને AMC દ્વારા ઘન કચરો એકત્રિત કરવાની સુવિધા પૂરી પાડવા અને તેના બદલામાં નિયત ચાર્જ વસૂલવા અંગે સક્રિય વિચારણા કરવામાં આવી રહી છે. આ હેતુસર ટૂંક સમયમાં અલગ પોલિસી તૈયાર કરવામાં આવશે.

આ પોલીસીમાં અનેક મુદ્દાઓ અંગે GIDC વસાહતોના એસોસિએશનના હોદ્દેદારો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. તેમાં GIDC વસાહતો પાસેથી કેટલો ચાર્જ વસુલવો, કચરો દરેક ફેક્ટરી અને ઈન્ડસ્ટ્રીમાંથી એકત્રિત કરવો કે તમામ ફેક્ટરીઓએ કચરો એકત્ર કરીને GIDC વસાહતમાં નક્કી કરેલા સ્થળે ડમ્પ કરવો.

દાણાપીઠ ફાયર સ્ટેશનના વિલંબ માટે જવાબદારી

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અંદાજે ₹50 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું દાણાપીઠ ફાયર સ્ટેશન 15 નવેમ્બરથી કાર્યરત થવાનું હતું. જોકે, કામગીરીમાં નોંધપાત્ર વિલંબ થતાં ફાયર સ્ટેશન નિર્ધારિત સમયમર્યાદામાં શરૂ થઈ શક્યું નથી. આ વિલંબને ગંભીરતાથી લઈને કામગીરી સમયસર પૂર્ણ ન થવા પાછળ કોણ જવાબદાર છે તે અંગે રિપોર્ટ માંગ્યો છે. વધુમાં, આ વિલંબ માટે જવાબદારી નક્કી કરીને આગળની કાર્યવાહી કરવા સૂચના આપી છે.

શહેરમાં વૃક્ષોના ટ્રીમિંગ માટે 25 નવી વાન ખરીદાશે

શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી માટે AMC દ્વારા 25 જેટલી નવી ટ્રીમિંગ વાન ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ગાર્ડન વિભાગ પાસે 25 ટ્રીમિંગ વાન ઉપલબ્ધ છે. જોકે, શહેરનો વિસ્તાર વધ્યો હોવાથી ગાર્ડન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર શહેરની જરૂરિયાતને પહોંચી વળવા માટે કુલ 198 ટ્રીમિંગ વાનની જરૂર છે. હાલ તબક્કાવાર રીતે 25 નવી વાન ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે.

PM આવાસ યોજનાની સોસાયટીઓનું મેઈન્ટેનન્સ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલ મકાનોની સોસાયટીના મેન્ટેનન્સ અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી સોસાયટીઓના મેન્ટેનન્સની સત્તા 2 વર્ષ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) ને સોંપવાની વ્યવસ્થા હતી. તેના બદલે મેન્ટેનન્સની જવાબદારી સંબંધિત સોસાયટીઓને જ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.