સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં, ટામેટા વગર કેચઅપ બનાવતી ફેક્ટરી સીલ; AMC ફૂડ સેફ્ટી વિભાગની મોટી કાર્યવાહી

અમદાવાદના પીરાણા રોડ પર ટામેટાં વિના પોટેટો ફ્લેક્સ અને કલરથી સોસ બનાવતી MJF Food ફેક્ટરી પર AMC ફૂડ સેફ્ટી વિભાગે દરોડા પાડી 2000 કિલો અખાદ્ય જથ્થો જપ્ત કર્યો અને એકમ સીલ કર્યું.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 15 Oct 2026 05:57 PM (IST)Updated: Thu, 15 Oct 2026 05:57 PM (IST)
amc-seals-fake-ketchup-factory-in-ahmedabad-food-safety-raid

AMC Raid: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જાહેર આરોગ્ય અને ગ્રાહકોના હિતની સુરક્ષા માટે શહેરના પીરાણા રોડ વિસ્તારમાં એક મોટું સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવતા એકમો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. બહેરામપુરાના પીરાણા સુએઝ ફાર્મ રોડ પર આવેલા લકી એસ્ટેટના એકમ પર દરોડા પાડીને ફૂડ વિભાગે કાયદેસરની સીલિંગ કાર્યવાહી કરી છે.

ટામેટાં વગર કેચઅપ બનાવવાનું મોટું કૌભાંડદરોડા દરમિયાન M J F FOOD નામના ધંધાકીય એકમમાં Tasty Snack Touch Up નામે ખાદ્ય વસ્તુનું મોટા પાયે ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું. આશ્ચર્યજનક બાબત એ હતી કે આ સોસ દેખાવ અને બનાવટમાં આબેહૂબ ટોમેટો કેચઅપ જેવો જ લાગતો હતો, પરંતુ તેમાં કોઈપણ તબક્કે ટામેટાંનો ઉપયોગ થતો જ નહોતો. ટામેટાંના બદલે આ વસ્તુ બનાવવા માટે પોટેટો ફ્લેક્સ (બટાકાનો પાવડર) અને કોર્ન ફ્લોર (CORN FLOUR)નો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત તેમાં ખાંડ, મીઠું, લાલ રંગ, એસિટિક એસિડ, પ્રિઝર્વેટિવ અને સ્ટેબિલાઇઝર જેવા રસાયણો ઉમેરીને કેચઅપ તૈયાર કરવામાં આવતો હતો.

ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ અને સસ્તું વેચાણગ્રાહકો તેને ટામેટાંમાંથી જ બનેલી અસલી વસ્તુ સમજીને ખરીદે તે રીતે તેની રજૂઆત કરવામાં આવતી હતી. આ બનાવટી સોસનું ૫ કિલોગ્રામનું પેકિંગ માત્ર રૂ.100ના અતિશય સસ્તા ભાવે બજારમાં વેચવામાં આવી રહ્યું હતું. બનાવટ અને રજૂઆતથી ગ્રાહકોમાં ગેરસમજ ઊભી થવાની પૂરી શક્યતા હોવાથી ફૂડ વિભાગે તેના લેબલિંગ અને પેકિંગની ઊંડાણપૂર્વક ચકાસણી હાથ ધરી છે.

FSSAI રજિસ્ટ્રેશન અને બિલોમાં ગંભીર વિસંગતતા

તપાસ દરમિયાન એકમના સ્થળ પર FSSAI રજિસ્ટ્રેશન નંબર (2072605400039) દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ સરનામા અને વ્યવસાયની વિગતોમાં અનિયમિતતા જણાતાં તેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, પ્રોડક્ટના લેબલ પર પાણી, 10% વેજીટેબલ પલ્પ, સ્ટેબિલાઇઝિંગ એજન્ટ્સ (INS-1422, INS-415), આયોડાઇઝ્ડ સોલ્ટ, એસિડિટી રેગ્યુલેટર (INS-260) અને મસાલા દર્શાવવામાં આવ્યા હતા. જોકે, ફૂડ અધિકારીઓએ જ્યારે વપરાતા કાચા માલની ખરીદીના સાચા બિલો માંગ્યા ત્યારે સંચાલકો કોઈ આધારભૂત બિલ રજૂ કરી શક્યા નહોતા.

2,000 કિલોગ્રામ જથ્થો સીઝ, એકમ સીલ કરાયું

આ તમામ ગંભીર ખામીઓ અને વિસંગતતાઓને ધ્યાનમાં રાખીને AMC ફૂડ સેફ્ટી વિભાગે તુરંત જ M J F FOOD એકમને સીલ કરી દીધું છે. ફેક્ટરીમાં રહેલો તૈયાર સોસ, બટાકાનો પાવડર અને અન્ય કાચા માલનો આશરે 2,000 કિલોગ્રામ જેટલો મોટો જથ્થો સ્થગિત કરી તેનું વેચાણ અને વિતરણ અટકાવી દેવામાં આવ્યું છે. તપાસ માટે સોસનો નમૂનો લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે અને લેબ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

વેપારીઓને કડક ચેતવણી અને સૂચનાઓ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરના તમામ ખાદ્ય વ્યવસાયીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓએ માન્ય FSSAI લાયસન્સ કે રજિસ્ટ્રેશન હેઠળ જ બિઝનેસ કરવો. વપરાતા કાચા માલના ખરીદી બિલો અને જરૂરી રેકોર્ડ્સ હંમેશા જાળવી રાખવા તેમજ પ્રોડક્ટના લેબલ પર ગ્રાહકોને સાચી માહિતી આપવી ફરજિયાત છે. ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારા અને જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

અન્ય કાર્યવાહી: શુદ્ધ ઘીનો જથ્થો મુક્ત કરાયો

ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી અન્ય એક કાર્યવાહીમાં, શાહીબાગ રોડ પર ગંજ બજારમાં આવેલી 'આદર્શ ટ્રેડિંગ કંપની'માંથી લેવામાં આવેલ 'રામસન્સ' દેશી ઘીનો સેમ્પલ લેબોરેટરી તપાસમાં સરકારી ધોરણો મુજબ શુદ્ધ અને પ્રમાણિત (Conforming) મળી આવ્યો છે. જેથી અગાઉ સ્થગિત કરવામાં આવેલો ઘીનો સંબંધિત જથ્થો મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.