AMC ફૂડ વિભાગના સપાટાથી દાણીલીમડામાં A.N. ગૃહ ઉદ્યોગ સીલ, 1010 કિલો અસુરક્ષિત ખાદ્ય સામગ્રી જપ્ત

AMCના હેલ્થ ફૂડ વિભાગે દાણીલીમડાના A.N. Gruh Udhyog પર સઘન તપાસ કરી એકમ સીલ કર્યું છે. મેંદો, મસાલા સિંગ અને ફરસાણ સહિત 1010 કિગ્રા અસુરક્ષિત જથ્થો સ્થગિત કરાયો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 16 Oct 2026 11:38 PM (IST)Updated: Fri, 16 Oct 2026 11:38 PM (IST)
amc-seals-an-gruh-udhyog-in-ahmedabad-over-unsafe-food

AMC Health Department Raid: શહેરના નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ફૂડ સેફ્ટી વિરુદ્ધ કડક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે AMCના હેલ્થ ફૂડ વિભાગની ટીમે દાણીલીમડા વિસ્તારમાં આવેલ એક મોટા ખાદ્ય એકમ પર અચાનક દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે.

મળતી માહિતી મુજબ, દાણીલીમડાના શાલીમાર એસ્ટેટ અને ગુડલક એસ્ટેટ વચ્ચે આવેલા ગોડાઉન નંબર 4માં ધમધમતા 'A.N. Gruh Udhyog' ખાતે અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન એકમમાં ગંભીર પ્રકારની અનિયમિતતાઓ અને બેદરકારી સામે આવી હતી.

તપાસમાં પકડાયેલી મુખ્ય ગેરરીતો

  • ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ (FSSA) 2006 અને 2011ના Schedule-4ના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હતું.
  • ધંધાકીય સ્થળે સ્વચ્છતા (Hygienic Condition)નો ભારે અભાવ જોવા મળ્યો હતો.
  • કામ કરતા કારીગરો દ્વારા હેરકવર (કેપ) કે એપ્રન પહેરવામાં આવ્યા ન હતા.
  • ફરસાણ તૈયાર કરવામાં નોન-પરમિટેડ (પ્રતિબંધિત) કલરનો ઉપયોગ થતો હતો.
  • ફરસાણ તળવા માટે એક જ તેલનો વારંવાર રી-યુઝ કરવામાં આવતો હોવાનું ખુલ્યું હતું.
  • પેકિંગ પર FSSAIના લેબલિંગના નિયમોનું પાલન થતું નહોતું.

1010 કિલોગ્રામ જથ્થો સીઝ કરાયો

એકમમાં ગંદકી અને અસુરક્ષિત રીતે બનાવવામાં આવતી ખાદ્ય સામગ્રીને ધ્યાને લઈને AMCની ટીમે મેંદો, મસાલા સિંગ, ઝીણી સેવ અને ફરસી પુરી સહિતનો કુલ 1010 કિલોગ્રામ શંકાસ્પદ અને અખાદ્ય જથ્થો સ્થગિત (સીઝ) કરી દીધો છે અને એકમને સીલ કરી દેવામાં આવ્યું છે.

AMCના ફૂડ વિભાગ દ્વારા શહેરના તમામ ખાદ્ય વેપારીઓ અને એકમોના સંચાલકોને કડક ચેતવણી આપવામાં આવી છે કે તેઓ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરે, અન્યથા નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.