Ahmedabad News: અમદાવાદ શહેરમાં નકલી ઘીના ધમધમતા કારોબાર સામે મનપાએ લાલ આંખ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગના અધિકારીઓએ માધુપુરા માર્કેટમાં એક દુકાનમાંથી ઘીના સેમ્પલ લીધા હતા. પરંતુ પાંચેય સેમ્પલ ફેઇલ જતાં મનપા દ્વારા વેપારી સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જેના લીધે અસલી ઘીના નામે નકલી ઘીનો વેપાર કરતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ઘીના નમૂના ફેઇલ ગયા
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે શહેરના માધુપુરા માર્કેટ સ્થિત H. P. FOODSમાંથી વિવિધ કંપનીઓની ઘીની બ્રાન્ડ્સના સેમ્પલ લીધા હતા. ત્યારબાદ આ સેમ્પલને ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા. પરંતુ આ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. જેથી મનપાના હેલ્થ શાખા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. મનપાની તપાસમાં સામે આવ્યું કે, વેપારી અલગ અલગ બ્રાન્ડનું ઘી વેચે છે.
વેપારી સામે કરાશે કાર્યવાહી
ઘીના પાંચ સેમ્પલ ફેઈલ જતાં હાલ મનપાની હેલ્થ શાખા દ્વારા બીજા એકમો પર દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ઘીના સેમ્પલ લઈને તેને ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવી રહ્યા છે. હેલ્થ વિભાગની કાર્યવાહીમાં અનેક નમૂનાઓ હલકી ગુણવત્તાવાળા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એક બાજુ વેપારીઓ કહી રહ્યા છે કે, તેઓ ઘીના ઉત્પાદક નહીં પરંતુ વેચાણકર્તા છે. તો જે તે ફેક્ટરીઓ નકલી ઘીનું ઉત્પાદન કરે તો તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ.
આગળ શું થશે કાર્યવાહી
અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ પાસેથી જાણ્યા મુજબ, જે તે બ્રાન્ડના ઘીના સેમ્પલ હલકી કે નબળી ગુણવત્તાના જણાયા છે. તેવું ઘી ઉત્પાદન કરતી ફેક્ટરીઓ પર મનપાની ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ મનપાના નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
