અમદાવાદમાં AMCની મોટી કાર્યવાહી; માનસી સર્કલથી વસ્ત્રાપુર રોડ પર દબાણ કરનારા 13 ખાણી-પીણીના એકમો સીલ, રૂ.1.55 લાખનો દંડ વસૂલાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વસ્ત્રાપુર અને માનસી સર્કલ રોડ પર ફૂટપાથ રોકનારા 13 ખાણી-પીણીના એકમો સીલ કર્યા છે, જ્યારે 8 એકમો પાસેથી રૂ.1.55 લાખનો દંડ વસૂલ્યો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 19 Aug 2026 07:16 PM (IST)Updated: Wed, 19 Aug 2026 07:16 PM (IST)
amc-seals-13-eateries-in-ahmedabad-fines-rs-155-lakh

AMC Action: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ઉત્તર-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર માર્ગો, ફૂટપાથ અને માર્જિનના ભાગોમાં થતા ગેરકાયદે દબાણો દૂર કરવા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત માનસી સર્કલથી વસ્ત્રાપુર તળાવ તરફ જતા જાહેર માર્ગ પર ફૂટપાથ તથા માર્જિનની જગ્યા રોકીને ગ્રાહકો માટે ટેબલ-ખુરશીઓ ગોઠવનારા ખાણી-પીણીના એકમો સામે એસ્ટેટ ટીમે આકરા પગલાં ભર્યા હતા.

13 એકમો સીલ, 8 વેપારીઓને આકરો દંડ

એસ્ટેટ વિભાગની ટીમે હાથ ધરેલી સરપ્રાઈઝ ચેકિંગ કાર્યવાહી દરમિયાન જાહેર રસ્તો અને ફૂટપાથ રોકનારા કુલ 13 ખાણી-પીણીના એકમોને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત દબાણના નિયમોના ઉલ્લંઘન બદલ અન્ય 8 એકમો પાસેથી વહીવટી ચાર્જ પેટે રૂ. 1,55,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

રાહદારીઓની મુશ્કેલી અટકાવવા AMCની ઝુંબેશ

AMC તંત્રના જણાવ્યા અનુસાર, ખાણી-પીણીના વેપારીઓ દ્વારા ગ્રાહકો માટે ફૂટપાથ કે માર્જિનની જગ્યા ઉપયોગમાં લેવાતી હોવાથી સામાન્ય રાહદારીઓ માટે અવરજવરમાં ભારે અડચણ ઊભી થતી હતી. શહેરમાં જાહેર ઉપયોગ માટેના ફૂટપાથ મુક્ત રહે અને ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે આગામી દિવસોમાં પણ વિવિધ ઝોનમાં આવા કડક આકસ્મિક ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.