Ahmedabad Food Stall Registration: તહેવારો દરમિયાન રોડ પર તંબુ કે ટેબલ મૂકીને મીઠાઈ અને ફરસાણનું વેચાણ કરતા વેપારીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઓનલાઈન નોંધણી કરવા અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ, હવે વેપારીઓએ પોતાના સ્ટોલ પર ગ્રાહકોને સ્પષ્ટપણે દેખાય તે રીતે નોંધણીનું સર્ટિફિકેટ પ્રદર્શિત કરવું પડશે.
ઓનલાઈન નોંધણીની મહત્તમ માન્યતા 3 મહિના રહેશે
તહેવારોમાં અસ્થાયી રીતે ઊભા થતા ખાદ્ય પદાર્થના એકમો સામે ફરિયાદ મળે ત્યારે વેપારી કે સ્થળ શોધવાનું મુશ્કેલ બનતું હોવાથી તેમની પર યોગ્ય નજર રાખી શકાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે. વર્ષ 2025 થી ટૂંકા ગાળાના અને ઋતુઆધારિત ફૂડ બિઝનેસ માટે આ વધુ સ્પષ્ટ ઓનલાઈન નોંધણી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
તહેવારો, મેળા કે ટૂંકા ગાળાના આયોજનોમાં ખાદ્યચીજો વેચતા એકમો માટે આ નોંધણીની જોગવાઈ કરવામાં આવી છે, જેની માન્યતા મહત્તમ 3 મહિના સુધી રાખી શકાશે. નોંધણી કરાવ્યા બાદ જો વેપારી દ્વારા વેચવામાં આવતીવાનગીની ગુણવત્તા ખરાબ જણાશે તો સ્ટોલ હટાવી લીધા પછી પણ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગ્રાહકો પણ નોંધણી વગરના સ્ટોલની કરી શકશે ફરિયાદ
આ મુદ્દે તાજેતરમાં આહાર મેનેજમેન્ટ એસોસિએશન તથા ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિયેશનની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં વેપારીઓએ આ અંગે રજૂઆત કરી હતી.
AMC ઇન્ચાર્જ એડિશનલ MOH ડો. તેજસ શાહના જણાવ્યા અનુસાર, તહેવારો દરમિયાન સ્ટોલ અને ટેબલ મૂકીને વાનગીઓવેચનારાવેપારીઓની નોંધણી કરાશે અને ગુણવત્તા અંગે ફરિયાદ મળશે તો કાર્યવાહી થશે. આ ઉપરાંત, ગ્રાહકો પણ વાનગીઅંગે કે નોંધણી વગર ચાલી રહેલા ખાણીપીણીના સ્ટોલ અંગે AMCને માહિતી અને ફરિયાદ આપી શકશે.
