AMC Cow Dung Ganesha Idol: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને નાગરિકોમાં કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવાના હેતુથી એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત નાગરિકો પોતાના ઘરમાંથી એકત્રિત કરેલો પ્લાસ્ટિક કચરો AMC ઝોનલ કચેરી ખાતે જમા કરાવીને તેની સામે ગાયના છાણમાંથી બનેલી ગૌમય ગણેશજીની મૂર્તિ ઈનામરૂપે મેળવી શકશે.
વહેલા તે પહેલાના ધોરણે મૂર્તિ વિતરણ
આ પણ વાંચો
આ વિશેષ ઝુંબેશ હેઠળ ગૌમય ગણેશ મૂર્તિનું વિતરણ 11 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર 2026 દરમિયાન કરવામાં આવશે. અમદાવાદના તમામ 7 ઝોનમાં વહેલા તે પહેલાના ધોરણે દરેક ઝોનમાંથી પ્રથમ 100 નાગરિકોને જ આ મૂર્તિનો લાભ આપવામાં આવશે. મૂર્તિ વિતરણનો સમય સવારે 11:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધીનો રહેશે, જેમાં શનિવાર અને રવિવારે જાહેર રજાના દિવસોમાં પણ વિતરણ કામગીરી ચાલુ રાખવામાં આવશે.
નક્કી કરાયેલા વિતરણ સ્થળોની યાદી
નાગરિકોની સુવિધા અર્થે સાતેય ઝોનની Zonal Deputy Director (SWM) Office ખાતે અલગ-અલગ વિતરણ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.
સેન્ટ્રલ ઝોન: સરદાર પટેલ ભવન, મ્યુનિસિપલ કોર્પોરેશન, દાણાપીઠ (જૂની બિલ્ડિંગ, પાંચમો માળ)
નોર્થ વેસ્ટ ઝોન: રાજમાતા વિજયારાજે સિંધિયા ભવન, જજીસ બંગલો રોડ, બોડકદેવ (બીજો માળ)
નોર્થ ઝોન: રાજીવ ગાંધી ભવન, નરોડા રોડ, મેમ્કો ચાર રસ્તા
સાઉથ વેસ્ટ ઝોન: શ્રી તુષાર દેશમુખ ભવન, શેલ્બી હોસ્પિટલ નજીક, કર્ણાવતી ક્લબ રોડ (ત્રીજો માળ)
ઈસ્ટ ઝોન: હરિભાઈ મહેતા ભવન, વિરાટનગર ચાર રસ્તા
વેસ્ટ ઝોન: વાડજ હિન્દી સ્કૂલ નંબર 1 અને 2, જૂના વાડજ ગામ, રામદેવપીર મંદિર નજીક
સાઉથ ઝોન: શ્યામાપ્રસાદ મુખર્જી ભવન, રામબાગ, મણિનગર (ત્રીજો માળ)
‘Beat Plastic Pollution’ અને સ્વચ્છતાનો સંદેશ
આ પહેલ દ્વારા AMC ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે નાગરિકોને પ્લાસ્ટિક કચરો અલગ કરીને યોગ્ય સ્થળે પહોંચાડવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ સાથે ‘Beat Plastic Pollution’, ‘Reduce, Reuse, Recycle’ અને સ્વચ્છતાનો ઉમદા સંદેશ આપતાં “Bring Your Plastic Waste, Receive Bappa’s Blessings!” ની અપીલ સાથે નાગરિકોને આ અભિયાનમાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું છે.
