અમદાવાદમાં જીઓપોલિમર ટેક્નોલોજીથી માત્ર 2 કલાકમાં બનશે રોડ, AMC દ્વારા 4 કરોડ રૂપિયા મંજૂર

અમદાવાદ શહેરમાં હવે નવી ટેક્નોલોજીથી માત્ર 2 કલાકમાં રોડ રિપેર થતા વાહન વ્યવહાર ઝડપી શરૂ થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 12 Sep 2026 08:48 AM (IST)Updated: Sat, 12 Sep 2026 08:48 AM (IST)
ahmedabad-geopolymer-technology-road-repair-in-2-hours-amc-fund-approve
ahmedabad geopolymer technology road

Ahmedabad Geopolymer Technology Road: અમદાવાદ શહેરોમાં રસ્તાના ખાડા અને તૂટેલા કોંક્રિટ રોડના સમારકામ માટે સામાન્ય રીતે લાંબો સમય લાગે છે. આ સમસ્યાના ઝડપી ઉકેલ માટે હવે જીઓપોલિમર ટેક્નોલોજી (Geopolymer Technology) ઉપયોગ કરીને રોડ બનાવવામાં આવશે. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ચાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે જીઓપોલિમર ટેક્નોલોજીથી રોડ બનાવવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે.

ક્લિંકરમુક્ત સામગ્રી અને 2 કલાકમાં રસ્તો તૈયાર

AMC રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, જીઓપોલિમર ટેક્નોલોજીમાં ક્લિંકરમુક્ત સામગ્રીનો ઉપયોગ થાય છે, જે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા મદદરૂપ બને છે. આ ટેક્નોલોજીમાં ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ અને મિનરલ-આધારિત બાઈન્ડર્સને એક્ટિવેટ કરીને મજબૂત મટિરિયલ તૈયાર કરવામાં આવે છે. તેમાં માત્ર પાણી ઉમેરીને ખાડામાં ભર્યા બાદ અને આશરે બે કલાકમાં રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી શકાશે.

કોંક્રિટ પેનલ તોડ્યા વગર ખાડાનું સમારકામ

આ ટેક્નોલોજી મુખ્યત્વે કોંક્રિટ રોડ રિપેર માટે અત્યંત ઉપયોગી છે, અને જરૂરિયાત મુજબ અમુક બિટુમિનસ રોડના ભાગોમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. કોંક્રિટ રોડમાં અલગ-અલગ કદના ખાડાનું સમારકામ આખી કોંક્રિટ પેનલ તોડીને દૂર કર્યા વગર કરી શકાય છે. જરૂરિયાત મુજબ માત્ર તૂટેલા ભાગનું જ સમારકામ શક્ય બને છે.

RCC રોડ પર કોલ્ડ મિક્સ અને હોટ મિક્સનો ઉપયોગ મોટાભાગે કામચલાઉ સમારકામ માટે થાય છે જે સમય જતાં ઘસાઈ જાય છે, જ્યારે જીઓપોલિમર ટેક્નોલોજી મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહે તેવું સમારકામ પૂરું પાડે છે.

2 વર્ષનો ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ (DLP)

આ ઉપરાંત, સમારકામ બાદ ક્યોરિંગ માટે પાણી છાંટવાની જરૂર રહેતી નથી, જેથી પાણીની સાથે ક્યોરિંગ માટે જરૂરી મજૂરી અને દેખરેખની પણ બચત થાય છે. આ કામગીરી માટે 2 વર્ષની ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ (DLP) રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કોઈ ખામી જણાશે તો શરતો મુજબ સમારકામ કરી આપવામાં આવશે.

મુંબઈના એક્સપ્રેસ હાઈવે પર સફળ પ્રયોગ

મુંબઈના ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સહિત અન્ય શહેરોમાં પણ જીઓપોલિમર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઝડપી રોડ રિપેર, પાણી અને મજૂરીની બચત તેમજ ઓછા સમયમાં વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવાની ક્ષમતાને કારણે આ ટેક્નોલોજી ભવિષ્યમાં શહેરોના રોડ સમારકામ માટે મહત્વપૂર્ણ વિકલ્પ બની રહેશે.