AMC Standing Committee Decisions: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં નાગરિક સુવિધાઓ, આરોગ્ય અને શહેરના સાંસ્કૃતિક વિકાસને લગતા કેટલાક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
દિવાળીમાં મીઠાઈ-ફરસાણના સ્ટોલ પર સ્થળ પર જ રેપિડ ટેસ્ટિંગ
તહેવારો દરમિયાન શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે AMC એ મોટો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે દશેરા અને દિવાળીના સમયે ઊભા કરાતા કામચલાઉ મીઠાઈ અને ફરસાણના સ્ટોલના સેમ્પલ રિપોર્ટ આવવામાં 6 થી 7 દિવસનો સમય લાગતો હોય છે. જેથી ઘણીવાર સ્ટોલ બંધ થઈ ગયા બાદ કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડતી હતી.
આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે આવા તમામ સ્ટોલ પર રેપિડ ટેસ્ટિંગ કીટથી ખાદ્યપદાર્થોમાં વપરાતા રંગ અને તેલની પ્રાથમિક ચકાસણી સ્થળ પર જ (On the spot) કરવામાં આવશે. સેમ્પલના ઝડપી પરિણામો માટે અત્યાધુનિક મશીનરી ખરીદવા તેમજ હેલ્થ વિભાગમાં જરૂર મુજબ વધારાનો સ્ટાફ ફાળવવા પણ સૂચના આપી દેવાઈ છે.
કાંકરિયા કિનારે 1000 દિવ્યાંગો વ્હીલચેર પર ગરબે ઝૂમશે
કાંકરિયાના નવીનીકરણ બાદ AMC દ્વારા પ્રથમ વખત 24મી ઓક્ટોબર, શનિવારના રોજ સાંજે 7:30 વાગ્યાથી કાંકરિયા કિનારે એક વિશેષ ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. આ ગરબામાં અમદાવાદ અને બહારથી આવેલા 1000 જેટલા દિવ્યાંગો પરંપરાગત પોશાકમાં વ્હીલચેર પર ગરબા રમીને ઉત્સવની ઉજવણી કરશે. આ અનોખા આયોજનમાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ સહભાગી બનશે.
ઐતિહાસિક ટાઉન હોલનું 2 વર્ષમાં થશે આધુનિક નવીનીકરણ
અમદાવાદના કલા અને સંસ્કૃતિના કેન્દ્ર સમાન ઐતિહાસિક ટાઉન હોલના નવીનીકરણ અંગે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. આગામી દોઢ મહિનામાં ટાઉન હોલના નવીનીકરણના નકશા અને પ્લાન તૈયાર કરી દેવાશે. ત્યારબાદ ૨ મહિનામાં પ્રત્યક્ષ કામગીરી શરૂ કરીને આગામી 2 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. નવીનીકરણ દરમિયાન ટાઉન હોલના મૂળ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીને તેને આધુનિક સ્વરૂપ આપવામાં આવશે.
