AMCની સ્ટેન્ડિંગ કમિટીના મોટા નિર્ણયો; શબવાહિની સેવા ફ્રી, વાડજ બ્રિજ અને AI હેલ્પલાઇન અંગે મહત્વની જાહેરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા. શબવાહિની સેવા સંપૂર્ણ મફત, 155303 હેલ્પલાઇનમાં AI સિસ્ટમનું ટેસ્ટિંગ અને રૂ. 155 કરોડનો ટેમ્પલ સર્કિટ પ્રોજેક્ટ મંજૂર.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 13 Aug 2026 10:53 PM (IST)Updated: Thu, 13 Aug 2026 10:53 PM (IST)
ahmedabad-amc-free-hearse-vadaj-bridge-ai-helpline-updates

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની દર ગુરૂવારે યોજાતી સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 13 ઓગસ્ટ, 2026ના રોજ શહેરના નાગરિકોને સીધી સ્પર્શતી અનેક મહત્વપૂર્ણ કામગીરીઓ તેમજ પ્રોજેક્ટ્સ અંગે આખરી નિર્ણય લેવામાં આવ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલે બેઠક બાદ પત્રકારોને સંબોધતા કોર્પોરેશનના આ મોટા નિર્ણયોની જાહેરાત કરી હતી.

શબવાહિની સેવા હવેથી અમદાવાદીઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક

AMCના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી શબવાહિની સેવા અંગે કમિટીમાં સંવેદનશીલ નિર્ણય લેવાયો છે.

ચાર્જ રદ કરાયો: અત્યાર સુધી હોસ્પિટલથી ઘર કે ઘરેથી સ્મશાન સુધી પાર્થિવ દેહ લઈ જવા માટે નક્કી કરાયેલો નિયત ચાર્જ વસૂલવામાં આવતો હતો.

મફત સેવા: પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠકમાં સર્વાનુમતે આ ચાર્જ સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી હવેથી આ સેવા શહેરીજનો માટે નિઃશુલ્ક રહેશે.

વાડજ ફ્લાયઓવર બ્રિજની કામગીરી આખરી તબક્કામાં

વાડજ વિસ્તારમાં બની રહેલા બ્રિજ અંગે માહિતી આપતાં ચેરમેને જણાવ્યું હતું કે- બ્રિજનું સિવિલ વર્ક મોટાભાગે પૂર્ણ થઈ ગયું છે. હવે મધ્ય સ્પાનની લોડ ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વાતાવરણ અનુકૂળ થતાં જ બ્રિજ પર ડામર રોડ બનાવવામાં આવશે અને ટૂંક સમયમાં તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાશે.

AMCની 155303 હેલ્પલાઇન વધુ સ્માર્ટ બનશે, AIનું ટેસ્ટિંગ શરૂ

નાગરિકોની ફરિયાદોના ઝડપી અને યોગ્ય નિકાલ માટે તકનીકી સુધારા કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અગાઉ 155303 હેલ્પલાઇન પર ફોન કરવાથી યોગ્ય જવાબ ન મળતો હોવાની નાગરિકોની રજૂઆતો હતી.ત્યારે હવે આ સમસ્યાના ઉકેલ માટે હવે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત વોઈસ રિસ્પોન્સ સિસ્ટમનું ટેસ્ટિંગ શરૂ કરાયું છે. ડેમો સફળ થયા બાદ આ સિસ્ટમ સત્તાવાર રીતે લાગુ કરાશે.

રૂ. 155 કરોડનો 'ટેમ્પલ સર્કિટ ડેવલપમેન્ટ' પ્રોજેક્ટ

અમદાવાદની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને પુનર્જીવિત કરવા હેરિટેજ વિભાગ દ્વારા 'ટેમ્પલલિંક પ્રોજેક્ટ' તૈયાર કરવામાં આવ્યો છે.

ફેઝ-1 નું કામ: પ્રથમ તબક્કામાં રૂ. 15 કરોડના ખર્ચે વસંત ચોકથી અટલઘાટ સુધીના 35 જર્જરિત ઐતિહાસિક મંદિરોનો જીર્ણોદ્ધાર કરાશે.

ટેમ્પલ પ્લાઝા: આ વિસ્તારમાં મંદિર પ્લાઝા પણ વિકસાવવામાં આવશે, જેથી નવી પેઢી શહેરના વારસાથી પરિચિત થઈ શકે.

સિક્યુરિટી ગાર્ડ્સનું ફરજિયાત પોલીસ વેરિફિકેશન

AMCના વિવિધ કેમ્પસ અને મિલકતો પર તૈનાત સિક્યુરિટી ગાર્ડ્સની સુરક્ષા સમીક્ષા કરવામાં આવી રહી છે. AMCમાં 14 એજન્સીઓ મારફતે 2,968 ગાર્ડ ફરજ બજાવે છે, જેમાંથી 70 થી 80 ટકા ગાર્ડનું પોલીસ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે. બાકી ગાર્ડનું વેરિફિકેશન તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના અપાઈ છે. ફરજ દરમિયાન કોઈ ગાર્ડની બેદરકારી માલૂમ પડશે તો સિક્યુરિટી એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.