Ambalal Patel Ni Agahi: ગુજરાતમાં ઉત્તરાયણ બાદ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેમાં વહેલી સવારે અને સાંજ પડ્યા બાદ રાતના સમયે ઠંડીનો ચમકારો યથાવત છે, પરંતુ બપોરના સમયે તાપમાન ઊંચકાતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન ઉચકાતા ઠંડીનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આવનારા દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી 20 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડીનું જોર રહી શકે છે. જો કે 22 જાન્યુઆરી બાદ આ સિઝનનો એક શક્તિશાળી પશ્ચિમી વિક્ષોપ આવી રહ્યો છે. જેના કારણે દેશના ઉત્તર ભારતથી માંડીને સૌરાષ્ટ્ર-ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે.
આમ તો મજબૂત પશ્ચિમી વિક્ષોપની અસર 22 થી 26 જાન્યુઆરી એમ ચાર દિવસ સુધી રહેવાની છે. જો કે ગુજરાતમાં તેની અસર 23 અને 24 એમ બે દિવસની આસપાસ વધારે રહશે.
ઉત્તર-પશ્ચિમ ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા તે અરબ સાગરનો ભેજ ગુજરાત ઉપરથી ખેંચશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં મર્જ થઈ જશે. આ સિવાય બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો પ્રભાવિત થશે.
જેના કારણે ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠાના ભાગો તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરના હવામાનમાં પણ પલટો આવી શકે છે.
ગુજરાતમાંથી ઠંડી ગાયબ થઈ જશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યના કેટલાક ભાગોમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું લાગશે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતાં પુનઃ ઠંડીનું જોર વધશે. જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આકરી ઠંડી પડશે.
શિયાળામાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ પડશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગરના ભેજના કારણે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં મિ.મીથી 100 મિ.મી જેટલો ચોમાસા જેવો ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. જેની અસર ઉત્તર ભારતથી લઈને રાજસ્થાન સુધીના ભાગોમાં જોવા મળશે. આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવા સાથે કોઈ-કોઈ ભાગમાં કરા પણ પડી શકે છે. આ સાથે જ સખ્ત પવનના તોફાન પણ રહી શકે છે. આ 4 દિવસ દરમિયાન પવનની ગતિ 10 થી 15 કિમી પ્રતિકલાકની આસપાસ રહી શકે છે.
