Ambaji Bhadarvi Poonam Mela 2025: ગુજરાતમાં દર વર્ષે ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલો અંબાજી માતાનો ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. આ ભવ્ય મેળા દરમિયાન પદયાત્રીઓ માટે સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા અનેક જગ્યાએ આરામ અને મેડિકલ સુવિધા જેવા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના અંબિકા યુવક મિત્ર મંડળ અને રંગપુર ગામના કેટલાક સેવાભાવી યુવાનો છેલ્લા સાત વર્ષથી મહેસાણાના રંગપુર ગામે અનોખો સેવા કેમ્પ ચલાવી રહ્યા છે. આ કેમ્પમાં પદયાત્રીઓને તળબૂચ, ફુલવળ, ચા, દવા અને આરામની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ કેમ્પ ખાસ કરીને વિશાળ માત્રામાં તળબૂચની સેવા માટે જાણીતો છે, જે પદયાત્રીઓને ઠંડક અને તાજગી આપે છે.
આ સેવા કેમ્પની વિશેષતા એ છે કે, દર વર્ષે 18થી 20 ટન જેટલા તળબૂચની સેવા પદયાત્રીઓને આપવામાં આવે છે. આ વર્ષે 20 ટન તળબૂચની વ્યવસ્થા કરવામાં આવી છે. અંદાજે 20થી 22 હજાર જેટલા પદયાત્રીઓ આ કેમ્પનો લાભ લે છે. અલ્પેશ પટેલ જણાવે છે કે, આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે મેડિકલ સહાય, આરામની જગ્યા, ચા નાસ્તો અને ઠંડક માટે તળબૂચની વિશાળ સેવા ઉપલબ્ધ હોય છે. લગભગ 40થી 45 માણસો, જેમાં ગામના અને વસ્ત્રાલ સોસાયટીના યુવાનો શામેલ છે, તેઓ માતાજીની કૃપાથી આ સેવામાં સહભાગી બને છે. આ સેવા શરૂ કરવાનો વિચાર અન્ય એક ગ્રુપના તળબૂચ કેમ્પ પરથી અને એક મિત્રના ગામમાં હોવાથી આવ્યો હતો.
આ કેમ્પ ચાર દિવસ સુધી કાર્યરત રહે છે, જે આઠમના દિવસે ચાલુ થાય છે અને બારસના દિવસે સવારે વાઇન્ડ અપ થાય છે, જોકે તેની ચોક્કસ તારીખ નિશ્ચિત હોતી નથી. વસ્ત્રાલના યુવકો છેલ્લા સાત વર્ષથી આ સેવા અવિરત ચાલુ રાખી રહ્યા છે અને દર વર્ષે હજારો પદયાત્રીઓ તેનો લાભ લે છે. આવા સેવા કેમ્પો પદયાત્રીઓ માટે માત્ર સુવિધા જ નહીં, પરંતુ ભક્તિભાવ, સામૂહિક એકતા અને માનવ સેવાનો ઉત્તમ સંદેશ પણ આપે છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રા માર્ગે ઊભેલા આવા સેવાના દરિયા અંબાજી માતાજી પ્રત્યેની ભક્તિને વધુ ઉજાગર કરે છે અને દરેક પદયાત્રી ખુશ થઈને આ કેમ્પ પરથી આગળ વધે છે.