Sardar Ekta Yatra: દેશની એકતા અને અખંડિતતાના શીલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા 'સરદાર એકતા યાત્રા' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યાત્રાને લીલી ઝંડી આપી અમદાવાદથી પ્રસ્થાન કરાવ્યું હતું.
અમદાવાદથી સરદાર એકતા યાત્રાનું પ્રસ્થાન
દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા સરદાર એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સરદાર એકતા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે "જય સરદાર, સબકે સરદાર" ના નારાથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું.
સરદાર સાહેબની જયંતી નિમિત્તે ઉજવણી
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સરદાર સાહેબે 565 દેશી રજવાડાંઓને એક સૂત્રમાં બાંધીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. વર્ષ 2014 થી સરદાર સાહેબની જયંતીને દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરી છે.
ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ફરશે આ યાત્રા
સરદાર એકતા યાત્રા માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, પરંતુ તે મધ્ય પ્રદેશના વિવિધ વિસ્તારોમાં પણ પરિભ્રમણ કરશે. આ યાત્રામાં સરદાર સાહેબના જીવન સાથે જોડાયેલી અમૂલ્ય ચીજ-વસ્તુઓ લોકોના દર્શન માટે રાખવામાં આવી છે, જે સૌથી મોટું આકર્ષણ છે. CM ભુપેન્દ્ર પટેલે આ સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવતા કહ્યું કે, આ યાત્રા લોકોમાં દેશપ્રેમ અને અટલ એકતાની ભાવના જીવંત કરશે.
'નેશન ફર્સ્ટ' અને 'એક ભારત શ્રેષ્ઠ ભારત'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ હંમેશા સરદાર સાહેબનું સન્માન કર્યું છે અને વર્ષ 2014 થી તેમની જયંતીને 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવાની શરૂઆત કરાવી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નું નિર્માણ કરીને વડાપ્રધાને તેમને શ્રેષ્ઠ અંજલિ આપી છે. વડાપ્રધાનનો સંકલ્પ સરદાર સાહેબના મૂલ્યો થકી દરેક નાગરિકમાં 'નેશન ફર્સ્ટ' અને 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવના ઉજાગર કરવાનો છે.
સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર ભારત
આ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેશવાસીઓને સ્વદેશી મંત્ર અપનાવવા પર ભાર મૂક્યો હતો. CM પટેલે કહ્યું હતું કે, સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવવો એ આજના સમયની માંગ છે, અને આપણે સૌ એક બનીને 'વિકસિત ભારત' અને 'આત્મનિર્ભર ભારત' નું નિર્માણ કરીશું, તે જ સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ હશે.
પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં કે.પી. વિદ્યાર્થી ભવનના વડા સતિષ પટેલે સ્વાગત પ્રવચન કર્યું, જ્યારે પૂર્વ મંત્રી ગોરધનભાઈ ઝડફિયાએ સરદાર એકતા યાત્રા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા, સરદાર રાષ્ટ્રીય સ્મારકના માનદ મંત્રી આર.એસ. પટેલ સહિત મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને સરદાર-પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
