Ahmedabad News: અમદાવાદના પાઘડી મેન તરીકે જાણીતા અનુજ નામના યુવાન દર વર્ષે નવરાત્રીમાં અવનવી થીમ આધારિત કેડીયું, કોટી, ધોતી અને પાઘડી પોતે જ બનાવે છે. વર્ષ 2017થી આ પ્રથા ચાલી રહી છે. આ વર્ષે અનુજે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવમાં દાખવેલા શૌર્યને પોતાની કલાકૃતિનો વિષય બનાવ્યો છે. ઓપરેશન સિંદૂર થીમ પર બનેલી તેની પાઘડીનું વજન 3.5 કિલો જેટલું છે અને તેને બનાવવામાં અનુજે 40,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ ભવ્ય પાઘડી ભારતીય સૈનિકોની બહાદુરી અને ગર્વનું પ્રતીક બની છે, જેને યુવાનો ગરબામાં માથે ચડાવીને ગરબે ઘૂમશે.
અનુજે તૈયાર કરેલા કોસ્ટ્યુમનું વજન 15 કિલો જેટલું છે. તેના ગરબા ગ્રુપમાં બે વર્ષના નાના બાળકોથી લઈને પચીસ વર્ષ સુધીના ખેલૈયાઓ શામેલ છે, જેઓ આવી જ અવનવી થીમના કોસ્ટ્યુમ પહેરીને ગરબે ઘૂમે છે. અનુજ તેની પાઘડી પાછળ છેલ્લા ચાર મહિનાથી સઘન મહેનત કરી રહ્યો છે. તે રાત-દિવસ જોયા વિના, દરરોજ ત્રણથી ચાર કલાક પાઘડીના બારીક કામમાં સમય આપે છે. તેને દર વર્ષે પાઘડીને કંઈક અનોખું નામ આપવું ગમે છે, જે આખા દેશને ગર્વ થાય તેવું હોય. આ વર્ષે તેણે પોતાની પાઘડીનું નામ ઓપરેશન સિંદૂર રાખ્યું છે.
અનુજનો આ પ્રયાસ નવરાત્રીના ઉત્સવમાં દેશભક્તિ અને સેનાના શૌર્યને જોડવાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. તેની આ કલાકૃતિઓ દ્વારા, ગરબાના માધ્યમથી ભારતીય સેનાના બલિદાન અને બહાદુરીનો સંદેશ યુવાનો અને સમાજ સુધી પહોંચાડવામાં આવે છે. આવા થીમ આધારિત પોશાકો પહેરીને ગરબે ઘૂમતા ખેલૈયાઓ માત્ર પરંપરાગત આનંદ જ નથી માણતા, પરંતુ એક ગૌરવપૂર્ણ ઇતિહાસ અને રાષ્ટ્રભક્તિની ભાવના પણ વ્યક્ત કરે છે.