Ahmedabad Vatva Accident: અમદાવાદના વટવા વિસ્તારમાં આજે 7 મે, ગુરુવારની વહેલી સવારે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બીબી તળાવ ચાર રસ્તા નજીક એક ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલા આ ગોઝારા અકસ્માતમાં મોપેડચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ડમ્પરના પાછળના વ્હીલમાં ચાલક ફસાઈ જતા યુવકે જીવ ગુમાવ્યો હતો.
મોપેડ સ્લીપ થતાં સર્જાઈ કરુણાંતિકા
મળતી માહિતી અનુસાર, આ ગોઝારી ઘટના વટવા બીબી તળાવ ચાર રસ્તા પર આજે સવારે અંદાજે સાડા સાત વાગ્યાની આસપાસ બની હતી. એક મોપેડ સવાર યુવક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેનું મોપેડ સ્લીપ થઈ ગયું હતું. અસંતુલિત થયેલું મોપેડ આગળ જઈ રહેલા ડમ્પરના પાછળના ભાગમાં ઘૂસી ગયું હતું. કમનસીબે યુવક સીધો જ ડમ્પરના પાછળના ટાયર નીચે કચડાઈ ગયો હતો.
ડમ્પરના ટાયર નીચે કચડાઈ ગયો યુવક
અકસ્માતને પગલે રસ્તા પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ જે ડિવિઝન ટ્રાફિક પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે મોપેડ ચાલક સ્લીપ થઈ જવાને કારણે જ ડમ્પરના પાછળના ટાયર નીચે આવી ગયો હતો.
આ પણ વાંચો: Ahmedabad: બોપલ બ્રિજ પાસે અકસ્માત, રોડ ક્રોસ કરતા યુવકને ટ્રકે કચડ્યો; ફરાર ટ્રકચાલકની તપાસ શરૂ
મૃતકની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ
મૃતક પાસેથી કોઈ પણ પ્રકારનું ઓળખપત્ર મળી આવ્યું ન હોવાથી ઘટના સ્થળે તેની તાત્કાલિક ઓળખ થઈ શકી ન હતી. જોકે, પોલીસને તપાસ દરમિયાન એક કોન્ટેક્ટ નંબર મળી આવ્યો છે, જેના આધારે મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
મૃતક યુવકની અંદાજિત ઉંમર 30 થી 35 વર્ષની જણાઈ રહી છે. હાલમાં પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે, અને અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
