Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં દિવાળીના દિવસે શાહઆલમ વિસ્તારમાં 3 લોકોએ ભેગા મળીને એક યુવક પર છરી વડે ઘાતક હુમલો કર્યો હતો. મળતી વિગત અનુસાર ફટાકડા ફોડવા અંગે થયેલી બોલાચાલી અને મારામારી બાદ ઉશ્કેરાયેલા આરોપીએ યુવકને છરી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બંને બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
શાહઆલમ વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મહંમદ હનીફકાળુભાઈ શેખ દિવાળીની રાત્રે પોતાના ઘરે હતા. તે દરમિયાન તેમની પત્ની પર પાડોશમાં રહેતી એક મહિલાનો ફોન આવ્યો કે તેમના પુત્ર ઝૈદનો કોઈ સાથે ઝઘડો થયો છે. સમાચાર સાંભળતા જ દંપતી તાત્કાલિક જીતુ ભગત કમ્પાઉન્ડના ગેટ પાસે પહોંચ્યું હતું.
ઘટનાસ્થળ પર શાહઆલમમાં રહેતો ઉમેર, તેની માતા અને બહેન ઝૈદ સાથે ઉગ્ર બોલાચાલી કરી અને અપમાનજનક શબ્દો બોલી રહ્યા હતા. તે જ સમયે ઉમેરે અચાનક છરી કાઢીને ઝૈદ પર હુમલો કરી દીધો, જેમાં ગંભીર રીતે ઘવાયેલો ઝૈદ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. હુમલો કર્યા બાદ ઉમેર, તેની માતા અને બહેન સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.
ઈજાગ્રસ્તઝૈદને પરિવારજનો તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકે બનાવ અંગે વિગત જણાવતાં કહ્યું કે, મિત્ર સાથે તે પાપા મિંયાની દરગાહ પાસે ઊભો હતો. તે સમયે ઉમેર ત્યાં આવ્યો અને તેમના પર ફટાકડા ફેંકી રહ્યો હતો. ઝૈદેતેને ફટાકડા ન ફેંકવા સમજાવ્યો. તેમ છતાં ઉમેર માન્યો નહીં, જેથી ગુસ્સામાં આવીને ઝૈદેઉમેરને 2-3 લાફા મારી દીધા હતા.
આ બાબતે મનમાં અદાવત રાખીને ઉમેર પોતાની માતા અને બહેનને સાથે બોલાવી લાવ્યો હતો અને ઝૈદ પર છરી વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશન દ્વારા ઉમેર, તેની માતા અને તેની બહેન એમ ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
