અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ભીષણ જૂથ અથડામણ, 3 રાઉન્ડ ફાયરિંગ થયું; 15 આરોપી સામે FIR

અસામાજિક તત્વોએ સોસાયટી બહાર ખુરશીઓ તથા ઝાડના કુંડાઓની તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 09 Nov 2026 03:48 PM (IST)Updated: Mon, 09 Nov 2026 03:48 PM (IST)
ahmedabad-science-city-road-group-clash-3-round-firing-fir-against-15-people

Ahmedabad Crime News: અમદાવાદ શહેરના પોશ વિસ્તાર સાયન્સ સિટી રોડ પર આવેલી એમ્પાયર સ્કાયવ્યુ સોસાયટી બહાર ફટાકડા ફોડવા જેવી બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. બનાવ અંગે બોડકદેવ પોલીસે 15 આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો (એટેમ્પ્ટ ટુ મર્ડર) ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફટાકડા ફોડવાની બાબતે થયો ડખ્ખો

સોસાયટીના સભ્યો પર ફટાકડા ઉડીને આવતા હોવા અંગે ટોકવા ગયેલા સોસાયટીના રહીશો પર ઉશ્કેરાયેલા યુવકોએ અન્ય 25 જેટલા લોકોને ધોકા અને લાકડી સાથે બોલાવી હુમલો કર્યો હતો. આ ઘટનામાં સોસાયટીના 5 સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, સોસાયટીના એક રહીશે સ્વબચાવમાં પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરતા હુમલો કરી રહેલા લોકોનું ટોળું ભાગી છૂટ્યું હતું.

6 નવેમ્બરની રાત્રે શરુ થયો હતો ઝઘડો

બોડકદેવ પોલીસ સ્ટેશનમાં એમ્પાયર સ્કાયવ્યૂ સોસાયટીના રહીશ જીગર પટેલે નોંધાવેલી સત્તાવાર ફરિયાદ અનુસાર, આ ઘટનાનો પ્રારંભ ગત 6 નવેમ્બરના રોજ રાત્રે થયો હતો. તે દિવસે સોસાયટીની બહાર પ્રાંશુ કોટાવાડ, અર્જુન દેસાઈ અને વિશ્વાસ કાલી નામના 3 યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા. ફટાકડા ઉડીને સોસાયટીના સભ્યો પર આવતા જીગરભાઈએ તેમને ફટાકડા ફોડવાની સ્પષ્ટ ના પાડી હતી, છતાં યુવકો માન્યા નહોતા.

8 નવેમ્બરે ઝગડાએ લીધું હિંસક સ્વરૂપ

ત્યારબાદ ગત 8 નવેમ્બરની રાત્રે આ ત્રણેય યુવકો ફરીથી સોસાયટી બહાર આવીને ફટાકડા ફોડવા લાગ્યા હતા. તે વખતે ફરી એકવાર રોકેટ ઉડીને સોસાયટીના સભ્યોના માથે પડ્યું હતું. સોસાયટીના સભ્યોએ યુવકોને વારંવાર રોકવાનો પ્રયાસ કર્યો અને ફટાકડા ફોડવાની ના પાડી. જેથી ત્રણેય યુવકો ઉશ્કેરાઈ ગયા અને ધમકી આપતાં કહેવા લાગ્યા હતા કે, "અહીં જ ફટાકડા ફોડીશું, થાય તે કરી લો."

20-25 લોકોના ટોળાનો ધોકા સાથે હુમલો

સભ્યો સાથે ઝઘડો કર્યા બાદ યુવકોએ અન્ય માણસોને ફોન કરીને સ્થળ પર બોલાવી લીધા હતા. જોતજોતામાં આશરે 20 થી 25 જેટલા લોકો લાકડીઓ અને ધોકા જેવા હથિયારો સાથે સોસાયટી આવી પહોંચ્યા અને બોલાચાલી કરી સોસાયટીના રહીશો પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ સોસાયટીમાં મુકેલી ખુરશીઓ અને ઝાડના કુંડા તોડી નાખ્યા હતા. આ જીવલેણ હુમલામાં સોસાયટીના 4-5 સભ્યોને ઈજાઓ પહોંચી હતી.

ગંભીર સ્થિતિ સર્જાતા સોસાયટીના રહીશ રાકેશ પટેલે પોતાના અને અન્ય સભ્યોના જીવના સ્વબચાવ અર્થે પોતાની પાસે રહેલી લાયસન્સવાળી પિસ્તોલમાંથી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.

15 આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો

ઘટનાની જાણ થતાં જ બોડકદેવ પોલીસ સ્ટેશનની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા સોસાયટીના સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે પીડિત જીગર પટેલની ફરિયાદના આધારે તપાસ હાથ ધરીને 15 યુવકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓમાં મિલન રબારી, મિત દેસાઈ, મૌલિક દેસાઈ, રાહુલ દેસાઈ, દક્ષ દેસાઈ, જવલ દેસાઈ, હેત દેસાઈ, સેંધા રબારી, લાલો રબારી, રગનેશ દેસાઈ, વિહાજી રબારી, પ્રાંશુ કોઈટાવાડ, અર્જુન દેસાઈ, વિશ્વાસ કાલી અને 1 અજાણ્યો શખ્સ સામેલ છે.