Ahmedabad News: અમદાવાદના એક વેપારીએ તેમની ગાંધીનગર ખાતે આવેલી કરોડો રુપિયાની જમીનના વિવાદમાં સતત માનસિક ત્રાસથી કંટાળીને કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લીધાને કરુણ ઘટના પ્રકાશમાં આવી છે, આ મામલે વેપારીના પુત્રની ફરિયાદને આધારે નરોડા પોલીસે આઠેક જેટલા આરોપીઓ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે.
મળતી માહિતી મુજબ, મૃતક વેપારી હસમુખ પટેલના દાદાએ ગાંધીનગરના ડભોડા ખાતે મગનદાસ પટેલ પાસેથી 4.5 વીઘા જમીન વેચાણથી લીધી હતી. આ જમીન વાવવા માટે અગાઉ દિલીપજી સોલંકી અને ઉદાજી સોલંકીને આપી હતી. પરંતુ આ ભાગિયાઓનું કામ યોગ્ય ન લાગતાં તેમને છૂટા કર્યા હતા. પરંતુ બંનેએ જમીન પર ભોગવટો હોવાનો દાવો કરીને હસમુખભાઈને હેરાન કરવાનું શરુ કર્યું હતું. તે દરમિયાન હસમુખભાઈએ પોતાની 4.5 વીઘામાંથી 3 વીઘા જમીન વેચી હતી.
આ પણ વાંચો
જમીન વેચાણ સામે વાંધા અરજી
જ્યારે વેપારી હસમુખભાઈ પટેલે જમીન વેચી હતી. તો તે જમીનના અગાઉના માલિક મગનદાસ પટેલના સીધી લીટીના વારસદારોએ આ વેચાણ સામે વાંધા અરજી કરી હતી. વેપારીને જમીન વેચવાથી અટકાવવા માટે બે ભાગીયાઓ અને વારસદારો એકસંપ થઈને જમીનની સર્ટિફાઈડ એન્ટ્રી થવા દીધી નહી. તેમજ અવારનવાર ધમકીઓ આપતા હતા. આથી સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળી જઈને હસમુખભાઈ પટેલે કરાઈ નર્મદા ડેમ ખાતે જઈને આપઘાત કરી લીધો હતો.
કેવી રીતે થયો મોતનો ખુલાસો
પોલીસ તપાસ દરમિયાન મૃતકના ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં આરોપીઓ દ્વારા કરવામાં આવેલા માનસિક ત્રાસ, જાનથી મારી નાખવાની ધમકીઓ અને જમીન સર્ટિફાઈડ એન્ટ્રી ન થવા દેવાના સતત પ્રયાસોનો ઉલ્લેખ હતો.
મૃતકે આત્મહત્યા કરતા પહેલાં 4 નવેમ્બરના રોજ પોતાના ભત્રીજાને વોટ્સએપ પર કરાઈ કેનાલના ફોટો અને લોકેશન પણ મોકલ્યા હતા. બાદમાં 6 નવેમ્બરે કડી નજીકની કેનાલમાંથી તેમનો પાર્થિવ દેહ મળી આવ્યો હતો. નરોડા પોલીસે મૃતકના પુત્ર દર્શક પટેલની ફરિયાદ પરથી નીચે મુજબના 8 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ આત્મહત્યાની મજબૂરીનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
