Ahmedabad Development: અમદાવાદના પશ્ચિમ ઝોનમાં રહેતા નાગરિકો માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક મોટા મહત્વના સમાચાર જાણવા મળી રહ્યા છે. પશ્ચિમ ઝોનના રહીશો પોતાના સામાજિક અને અન્ય પ્રસંગો સરળતાથી યોજી શકે તે હેતુથી રુ. 8.71 કરોડના ખર્ચે ત્રણ નવી સુવિધાઓ ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ રાણીપ વિસ્તારમાં આધુનિક સાંસ્કૃતિક કેન્દ્ર, ચાંદલોડિયામાં ઓપન પાર્ટી પ્લોટ અને ચાંદખેડામાં નવો પાર્ટી પ્લોટ તૈયાર કરવામાં આવશે.
કરોડોના ખર્ચે મનપાનું મોટું આયોજન
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે મોટું આયોજન ગોઠવાયું છે. જેમાં રાણીપ વિસ્તારમાં ચેનપુર નજીક રુ.5.64 કરોડના ખર્ચે આધુનિક સોશિયલ વેલ્ફેર એેન્ડ રિક્રીએશન હોલનું નિર્માણ કરવાની યોજના બનાવી છે. જ્યારે રાણીપ વોર્ડમાં ચાંદલોડિયા નજીક રુ. 3.07 કરોડના ખર્ચે સુવિધાયુક્ત પાર્ટીપ્લોટ તૈયાર કરાશે. ઉપરાંત ચાંદખેડા વોર્ડના ત્રાગડ વિસ્તારમાં ઉપવન નજીક અંદાજે રુ.61.63 કરોડના ખર્ચે નવો પાર્ટી પ્લોટ બનાવાશે.
સ્થાનિકોને ખાનગી હોલમાંથી મળશે રાહત
છેલ્લા એક દસકામાં રાણીપ, ચાંદલોડિયા અને ચાંદખેડા જેવા વિસ્તારોમાં હજારો નવા પરિવારોનો વસવાટ થયો છે. જોકે, આ આસપાસના વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરકારી સુવિધા કે કોમ્યુનિટી હોલ ઉપલબ્ધ નહોતા.
જેના કારણે સ્થાનિક લોકોને લગ્ન કે અન્ય સામાજિક પ્રસંગો માટે ભારે રકમ ચૂકવીને ખાનગી પ્લોટ કે હોલ ભાડે રાખવાની ફરજ પડતી હતી. AMC દ્વારા હાથ ધરાયેલા આ નવા પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં સ્થાનિક રહીશોને સસ્તા દર અને આધુનિક સુવિધાઓ સાથે પ્રસંગો યોજવાની ઉત્તમ તક મળશે.
