બોપલ-ઘુમા અને હેબતપુરમાં હવે નહીં ભરાય વરસાદી પાણી? AMCએ રૂ.85.58 કરોડનું સ્ટોર્મ વોટર નેટવર્ક મંજૂર કર્યું

અમદાવાદના બોપલ, ઘુમા અને હેબતપુરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા AMCએ રૂ.85.58 કરોડના સ્ટોર્મ વોટર નેટવર્ક અને પમ્પિંગ સ્ટેશન પ્રોજેક્ટને મંજૂરી આપી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 06 Nov 2026 10:21 AM (IST)Updated: Fri, 06 Nov 2026 10:21 AM (IST)
ahmedabad-bopal-ghuma-hebatpur-rainwater-drainage-project-85-crore

Ahmedabad News: અમદાવાદ શહેરમાં દર વર્ષે ચોમાસાના આગમનની સાથે જ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં હોય છે જેને લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ગત જુલાઇ માસમાં વરસાદને લીધે હેબતપુર અને બોપલ-ઘુમા સહિતના ઘણા વિસ્તારો બેટમાં તબ્દીલ થઈ ગયા હતા. આ વિસ્તારોમાં વરસાદી પાણીની સમસ્યાના નિવારણ માટે અમદાવાદ મનપાની વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીની આયોજિત બેઠકમાં, બોપલ, ઘુમા અને હેબતપુર વિસ્તારોમાં વરસાદી પાણીના નિવારણ માટે સ્ટોર્મ વોટર લાઈન નેટવર્કના કામ માટે રુ.85.58 કરોડની મંજૂરી આપવામાં આવી. જેમાં ઘણી ફાઈલ્સને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં બોપલ-ઘુમા વિસ્તારમાં સ્ટોર્મ વોટર લાઇન નેટવર્ક ઉભ કરવાના બે જુદા જુદા રુ.32.07 કરોડ અને 25.97 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી.

બેઠકમાં હેબતપુર વિસ્તારમાં અંદાજે રુ. 8.59 કરોડના ખર્ચે પમ્પિંગ સ્ટેશનનો પ્રોજેક્ટને ખાસ મંજૂરી અપાઈ. બીજી બાજુ ઘુમાના રત્ના તળાવ પાસે સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવવા માટે રુ.18.95 કરોડને ખાસ મંજૂર કરવામાં આવ્યા છે. વરસાદી પાણીની સમસ્યાના નિવારણ હેતુથી કરવામાં આવેલા આ નિર્ણયથી લોકોને ઘણો લાભ પ્રાપ્ત થશે. અમદાવાદ મનપાના આ પ્રોજે્કટને પૂર્ણ થવામાં અંદાજે 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે.