Ahmedabad Water Supply: માણેકબાગ ચાર રસ્તા પાસે પાણીની લાઇનમાં ભંગાણ; કાલે પાલડી સહિત આ વિસ્તારોમાં પાણી પુરવઠો પ્રભાવિત થશે

પાણી લાઈનનું લીકેજ દૂર કરવાની રિપેરીંગ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા મુખ્ય ટ્રંક મેઈન્સનો વાલ્વ બંધ કરાયો છે. નવરંગપુરા, પાલડી અને વાસણા વિસ્તારના જળ વિતરણ સ્ટેશનોમાં 30 સપ્ટેમ્બરે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી પુરવઠો અપાશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 29 Sep 2026 04:00 PM (IST)Updated: Tue, 29 Sep 2026 04:00 PM (IST)
ahmedabad-water-supply-navrangpura-paldi-vasna-to-face-water-disruption-check-reason

Ahmedabad Water Supply Disruption: અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં માણેકબાગ ચાર રસ્તા પાસે 600 મીમી વ્યાસની મુખ્ય પાણી પુરવઠા લાઈનમાં લીકેજ સર્જાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ લીકેજને કારણે મોટી માત્રામાં પાણીનો વ્યય થયો હતો તેમજ કેટલાક વિસ્તારોમાં નિયમિત જળ વિતરણ પ્રભાવિત થયું છે. રિપેરિંગ કામ ઝડપથી થાય એ માટે મુખ્ય ટ્રંક મેઇન્સનો વાલ્વ બંધ કરવામાં આવ્યો છે. જેના પગલે આવતીકાલે 30 સપ્ટેમ્બરે પાલડી સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો પ્રભાવિત થઇ શકે છે.

લીકેજ રિપેરીંગની કામગીરી ઝડપથી અને સુરક્ષિત રીતે પૂર્ણ કરી શકાય તે માટે નવરંગપુરા, પાલડી અને વાસણા વોર્ડના આઝાદ, નિયોજનનગર, શારદા, જવાહરનગર, શહીદવન અને શાહવાહી જળ વિતરણ સ્ટેશનોને પાણી પહોંચાડતી મુખ્ય ટ્રંક મેઈન્સ પરનો વાલ્વ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે.

naidunia_image

વાલ્વ બંધ કરવાના કારણે સંબંધિત જળ વિતરણ સ્ટેશનોની ભૂગર્ભ ટાંકીમાં પાણીના જથ્થામાં ઘટાડો થવાની શક્યતા છે. પરિણામે તા. 30 સપ્ટેમ્બર, 2026ના રોજ આ વિસ્તારોમાં પાણીનું વિતરણ ટાંકીમાં ઉપલબ્ધ જથ્થા અનુસાર કરવામાં આવશે. મ્યુનિસિપલ તંત્રના જણાવ્યા મુજબ લીકેજ રિપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને શક્ય તેટલી વહેલી તકે પાણી પુરવઠો પૂર્વવત્ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કામગીરી પૂર્ણ થયા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં નિયમિત જળ વિતરણ ફરી શરૂ કરવામાં આવશે.

ખાડીયામાં ખુલ્લા રાખવામાં આવેલા પાણીના કનેક્શનો સામે AMCની કાર્યવાહી

અમદાવાદના ખાડીયા વોર્ડ વિસ્તારમાં પાણીના બગાડને અટકાવવા તથા પાણી વિતરણ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખાડીયા વિસ્તારની વિવિધ પોળોમાં કેટલાક નાગરિકો દ્વારા પાણીના કનેક્શનો ખુલ્લા રાખવામાં આવતા પાણીનો વ્યય થતો હોવાનું ધ્યાનમાં આવતા કોર્પોરેશન દ્વારા આવા કનેક્શનો પર ચકલી (સ્ટોપ કોક) લગાવવાની કામગીરી શરૂ કરી છે. આ કામગીરી અંતર્ગત માણેકચોક વિસ્તારની ચાલ્લાઓળ પોળ, સારંગપુર ચકલા સ્થિત ગોલાની ખડકી, મણિયાશાની ખડકી તેમજ સાંકડી શેરી રોડ સહિતના વિસ્તારોમાં સ્થળ પર જઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

naidunia_image

અત્રે ઉલ્લેખનીય છેકે, ખુલ્લા પાણીના કનેક્શનોના કારણે પાણીનો અનાવશ્યક વ્યય થતો હોવા ઉપરાંત વિતરણ વ્યવસ્થામાં પણ મુશ્કેલીઓ સર્જાતી હોય છે. આથી ખાડીયા વોર્ડના વિવિધ વિસ્તારોમાં સર્વે કરી જરૂરી સ્થળોએ ચકલી લગાવવાની કામગીરી તબક્કાવાર હાથ ધરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા નાગરિકોને પણ પાણીનો સદુપયોગ કરવા, કનેક્શનો ખુલ્લા ન રાખવા અને પાણી બચાવવા સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.