Ahmedabad News: અમદાવાદ અને વસ્ત્રાલ આરટીઓમાં છેલ્લા 4 મહિનાથી 2010 પહેલાના ડ્રાઈવિંગ લાઈસન્સના રિન્યુઅલ, વેરિફિકેશન અને એપ્રુવલની કામગીરી અટકી જતાં હજારો વાહનચાલકો પર મોટું આર્થિક અને કાયદાકીય જોખમ ઊભું થયું છે. NIC દ્વારા સર્વરમાં કરાયેલા ફેરફારને કારણે સર્જાયેલી આ ટેક્નિકલ અડચણને લીધે વાહનચાલકો સમયસર રિન્યુઅલ કરાવી શકતા નથી. જેના પરિણામે લાઈસન્સ કેન્સલ થવાની આને અકસ્માત સમયે વીમા ક્લેમ અટકવાની ભીતિ સેવાઈ રહી છે.
અકસ્માત થાય તો વીમા કંપની ક્લેમ ફગાવી શકે?
વાહન વ્યવહારના નિયમ પ્રમાણે, ડ્રાઈવિંગ લાઈસન્સ એક્સપાયર થવાના એક વર્ષમાં જ રિન્યુઅલ ન કરાવવામાં આવે તો તે આપમેળે કેન્સલ થઈ જાય છે. હાલમાં અનેક અરજદારો નિર્ધારિત સમયમર્યાદામાં લાઈસન્સ રિન્યુઅલ કરાવવા માંગે છે. પરંતુ તંત્રની ટેક્નિકલ ખામીને કારણે પ્રક્રિયા અટવાયેલી છે. નિષ્ણાંતો અને નિયમો મુજબ, જો કોઈ વાહનચાલકને અકસ્માત નડે અને તેની પાસ માન્ય લાઇસન્સ ન હોય, તો વીમા કંપની કલેમ મંજૂર કરતી નથી. આ સ્થિતિમાં વાહનચાલક માથે મોટો આર્થિક ફટકો થઈ શકે છે.
1 હજારથી વધુ અરજદારો પરીક્ષા આપશે
વસ્ત્રાલ અને અમદાવાદ આરટીઓમાં દર મહિને આશરે 250 જેટલા અરજદારો 2010 પહેલાના લાઈસન્સના રિન્યુઅલ માટે ધક્કા ખાઈ રહ્યા છે. છેલ્લા 4 મહિનામાં આ સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઈ છે. જો વહેલી તકે લાઈસન્સ રિન્યુ નહીં થાય, તો આ વાહનચાલકોએ નવેસરથી લાઈસન્સ માટે અરજી કરવી પડશે અને લેખિત પરિક્ષાની સાથે ડ્રાઈવિંગ ટેસ્ટ પણ ફરીથી આપવાની રહેશે.
7 ઈન્સ્પેક્ટરોની નિમણૂક છતાં બેકલોગ યથાવત
અરજદારોની મુશ્કેલી ઘટાડવા અને પડતર બેકલોગનો ઝડપી નિકાલ કરવા માટે વાહન વ્યવહાર કમિશનરે અમદાવાદ RTOમાં ખાસ 7 RTO ઈન્સ્પેક્ટરોની નિમણૂક કરી હતી. તેમ છતાં, હજુ સુધી લાઈસન્સનું વેરિફિકેશન કે એપ્રુવલ થઈ શક્યું નથી, જેના કારણે વાહનચાલકોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.
