અમદાવાદ: ઓનલાઈન રિક્ષા બુક કરશો તો પણ મીટર પ્રમાણે જ લાગશે ભાડું, કેબ કંપનીઓ 40 થી 50 ટકા ઓછા પૈસા આપતી હોવાનો આક્ષેપ

એસોસિએશનના જણાવ્યા અનુસાર, ઓનલાઈન કેબ અને રિક્ષા બુકિંગ કરતી કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવતા ભાડામાં રિક્ષાચાલકોને અંદાજે 40 થી 50 ટકા જેટલા ઓછા પૈસા મળે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 02 Nov 2026 07:46 AM (IST)Updated: Mon, 02 Nov 2026 07:46 AM (IST)
ahmedabad-auto-rickshaw-online-booking-rto-meter-rates-decision
રિક્ષા

Ahmedabad Auto Rickshaw News: અમદાવાદ શહેરમાં હવે ઓનલાઈન એપ દ્વારા રિક્ષા કે કેબ બુક કરાવવી મુસાફરો માટે મોંઘી પડી શકે છે. ઓનલાઈન બુકિંગ આપતી એગ્રીગેટર કંપનીઓ દ્વારા લાંબા સમયથી રિક્ષાચાલકોને ઓછું ભાડું ચૂકવવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદ સાથે 'રાજ શિરકે ઓટો રિક્ષાચાલક વેલફેર એસોસિએશન' દ્વારા હવેથી ઓનલાઈન બુકિંગમાં પણ ઓફલાઈન એટલે કે RTO દ્વારા નિર્ધારિત મીટર પ્રમાણે જ ભાડું વસૂલવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કંપનીઓ 40 થી 50 ટકા ઓછું ભાડું આપતી હોવાનો આરોપ

એસોસિએશનના જણાવ્યા અનુસાર, ઓનલાઈન કેબ અને રિક્ષા બુકિંગ કરતી કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવતા ભાડામાં રિક્ષાચાલકોને અંદાજે 40 થી 50 ટકા જેટલા ઓછા પૈસા મળે છે. છેલ્લા 4 વર્ષથી આ પ્રકારે ચાલકોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ પ્રશ્ન અંગે ગત 30 ઓક્ટોબરે અમદાવાદ RTO ખાતે અઢી કલાક સુધી વિસ્તૃત રજૂઆત અને ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ આવ્યો નહોતો. આખરે ઉકેલ ન આવતાં એસોસિએશને તમામ રિક્ષાચાલકોને સરકારી નિર્ધારિત ભાડું વસૂલવાની અપીલ કરી છે.

નવા નિયમ મુજબ કેટલું ચૂકવવું પડશે ભાડું?

હવેથી ઓનલાઈન બુક કરાવેલી રિક્ષામાં પણ ઓફલાઈન રિક્ષાની જેમ જ RTO ના મીટર દર મુજબ ભાડું ગણાશે. જેની વિગત નીચે મુજબ છે:

  • પ્રથમ 1.2 કિલોમીટરનું ભાડું: રૂ. 25
  • ત્યારબાદ દર 200 મીટરે: રૂ. 4 ઉમેરાશે
  • ઉદાહરણ તરીકે: આ હિસાબે 5 કિલોમીટરની મુસાફરીનું કુલ ભાડું રૂ. 101 થશે.