અમદાવાદમાં પોલીસ કર્મચારીઓ સાથે જ રૂ. 50 લાખની છેતરપિંડી! પિતા-પુત્રની ધરપકડ, CDRથી ખુલશે મોટા નામ?

સાબરમતી UGVCL પોલીસ સ્ટેશનના કર્મચારીઓના કેસમાં તરફેણ કરાવવાના નામે થલતેજના જમીન દલાલ પિતા-પુત્રએ રૂ. 50 લાખ પડાવ્યા અને વધુ રૂ. 10 લાખ માંગ્યા. ક્રાઈમ બ્રાન્ચે CDR અને બેંક વિગતોથી તપાસ તેજ કરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 26 Nov 2026 10:24 AM (IST)Updated: Thu, 26 Nov 2026 10:24 AM (IST)
ahmedabad-ugvcl-police-station-false-attendance-scam-50-lakh-fraud-father-son-arrested-crime-branch-cdr

Ahmedabad News: અમદાવાદ શહેરમાં પોલીસ કર્મચારીઓ સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જે મામલે સાબરમતી યુજીવીસીએલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓની ખોટી હાજરી સંબંધિત અરજી નોધાઈ હતી. આ તપાસમાં તરફેણ કરાવવાના નામે થયેલા રુ. 50 લાખના તોડકાંડમાં હવે ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ અને નાણાકીય પુરાવાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

કેસનો નિકા્લ કરવાના નામે છેતરપિંડી આચરનારા થલતેજના જમીન દલાલ પિતા-પુત્રની ધરપકડ બાદ પોલીસને આશા છે કે, મોબાઈલ સીડીઆર અને બેન્ક ખાતાની વિગતો આ સમગ્ર કૌભાંડના પડદા પાછળના સૂત્રધારો અને સંભવિત મુખ્ય આરોપી સુધી પહોંચાડશે.

કેવી રીતે રચાયો રુ.50 લાખ પડાવવાનો ખેલ?

સાબરમતી યુજીવીસીએલ પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓ લાંબા સમય સુધી ગેરહાજર હોવા છતાં તેમની ખોટી હાજરી ભરાઈ હોવાની અરજી સામે આવી હતી. આ તપાસમાં કર્મચારીઓની તરફેણ થાય અને ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનો વિશ્વાસ અપાવીને થલતેજમાં રહેતા જમીન દલાલ એન,ડી ચૌધરી અને તેના પુત્ર આકાશે દિવાળી પહેલા કટકે-કટકે રુ.50 લાખ લઈને છેતરપિંડી આચરી હતી.

ધારેલું કામ ન થતાં જ્યારે કર્મચારીઓએ પોતાના પૈસા પાછા માંગ્યા, ત્યારે પિતા-પુત્રએ જેલમાં મોકલી આપવાની ધમકી આપી અને ઉલટાના વધુ રુ.10 લાખની માંગણી કરી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિચાદ નોંધાયા બાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી શરુ કરી

આ કૌભાંડનો પર્દાફાશ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. જે મુજબ, બંને આરોપીઓના મોબાઈલ કોલ ડિટેલ રેકોર્ડ (CDR) અને બેંક ખાતાની વિગતો મંગાવવામાં આવી છે. જેથી ભોગ બનનાર પોલીસ કર્મચારીઓ સાથે આરોપીઓ ક્યારથી અને કેવા સંપર્કમાં હતા તેની કડીઓ જોડાશે. આ વિગતોના આધારે પિતા-પુત્રના 'આકા' ગણાતા ખાનગી વ્યક્તિઓ અથવા અન્ય પોલીસ અધિકારીઓની સંડોવણીનો પણ પર્દાફાશ થવાની શક્યતા છે.