અમદાવાદ: શેઠ બહાર ગયા ને બે કર્મચારી ભાઈઓ રુ. 45.29 લાખ લઈ ફરાર, પેઢી માલિકે નોંધાવી પોલીસ ફરિયાદ

અમદાવાદના કાલુપુરમાં ટ્રાન્સપોર્ટ પેઢીમાંથી બે સગા ભાઈઓ રૂ.45.29 લાખ લઈ ફરાર થયા. CCTVમાં પૈસા લઈ જતા કેદ થયા બાદ પેઢી માલિકે કાલુપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 13 Sep 2026 10:23 AM (IST)Updated: Sun, 13 Sep 2026 10:23 AM (IST)
ahmedabad-transport-firm-two-brothers-absconded-with-rs-45-29-lakh

Ahmedabad News: અમદાવાદ શહેરના કાલુપુરમાં આવેલી એક જાણીતી ટ્રાન્સપોર્ટ પેઢીમાંથી રુ.45.29 લાખની માતબર રકમની ચોરીનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 5 વર્ષથી પેઢીમાં કામ કરતા બે સગા ભાઈઓએ તેના માલિકનો વિશ્વાસ તોડીને મોટી રકમ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જ્યારે પેઢી માલિકે સીસીટીવી તપાસ્યા ત્યારે આરોપીઓ પૈસા લઈ જતાં આબાદ કેદ થયા હતા. આખરે પેઢી માલિકે કાલુપુર પોલીસ મથકમાં બંને ભાઈઓ સામે ફરિયાદ દાખલ કરી છે.

બે ભાઈઓએ શેઠના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવ્યો

મળતી માહિતી મુજબ, કાલુપુર વિસ્તારમાં આવેલી કે માંગીલાલ પાર્સલ સર્વિસ નામની ટ્રાન્સપોર્ટ પેઢીમાં મૂળ યુપીના બે ભાઈઓ યશવીર પરમાર અને દલવીર પરમાર નોકરી કરતાં હતાં જેમાં મોટો ભાઈ યશવીર પરમાર છેલ્લા પાંચેક વર્ષથી આ પેઢીમાં નોકરી કરતો હતો. પેઢીમાં લાંબા સમયથી કામ કરતા હોવાથી બંને ભાઈઓ પર શેઠ પૂરો વિશ્વાસ કરતા હતા. આ બંને ભાઈઓ નાણાકીય લેવડદેવડ કરતાં હતા. પરંતુ ગત 7 સપ્ટેમ્બરના રોડ પેઢી માલિક મઘારામ શર્માને કોઇ કામ માટે બહાર જવાનું થયું હતું.

45.29 લાખની રકમ લઈ આરોપીઓ ફરાર

શેઠને બહાર જવાનું હોવાથી તેમણે ટેબલના ખાનામાં રાખેલા 40.29 લાખની રકમ સાચવવાની જવાબદારી યશવીર પરમારને આપી હતી. તેમજ નાના ભાઈ દલવીરને પાંચકુવા ખાતેના વેપારી પાસેથી પાંચ લાખ રુપિયા લાવીને ડ્રોવરમાં મૂકવાની સૂચના આપી હતી. પરંતુ સાંજના સમયે પોતાનું કામ પતાવીને પેઢી માલિક પાછા આવ્યા તો દુકાન પર લોક હતું. તેઓએ બંને ભાઇઓને ફોન કરતાં તેમનો ફોન સ્વીચ ઓફ આવા લાગ્યો હતો.

માલિકે બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી

એકાએક બંને ભાઈઓના ફોન સ્વીચ ઓફ આવવા લાગતાં માલિકને શંકા ગઈ હતી. તેમણે અન્ય કર્મચારીઓની મદદથી ઓફિસમાં જોયું તો, ડ્રોવરમાંથી કુલ 45.29 લાખની રકમ ગાયબ હતી. પેઢી માલિકે આસપાસના સીસીટીવી ચેક કરતાં બંને ભાઈઓ પોતાના થેલા લઈને પૈસા લઈ જતાં નજરે પડ્યા હતા. ઘટનાને લઈને પેઢી માલિકે તાત્કાલિક કાલુપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.