અમદાવાદ: નોર્થ બોપલમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી, એક જ રાતમાં 3 સોસાયટીના 11 મકાન ફંફોસ્યા; સ્થાનિકોમાં ફફડાટ

આ મામલે બોપલ પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધીને ચોર ટોળકીની તપાસ હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 08 Sep 2026 12:03 PM (IST)Updated: Tue, 08 Sep 2026 12:03 PM (IST)
ahmedabad-north-bopal-chaddi-baniyan-gang-theft-garden-paradise-cctv-footage
Ahmedabad Chaddi Baniyan Gang

Ahmedabad Chaddi Baniyan Gang: અમદાવાદના નોર્થ બોપલમાં 6 સપ્ટેમ્બરની રાત્રે ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી અને એક જ રાતમાં 3 સોસાયટીને નિશાન બનાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. આ મામલે બોપલ પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધીને ચોર ટોળકીની તપાસ હાથ ધરી છે.

ગાર્ડન પેરેડાઈઝ સોસાયટીના 8 બ્લોકમાં આતંક

ચોરીની આ યોજનાબદ્ધ ઘટનામાં તસ્કરોએ મુખ્યત્વે ગાર્ડન પેરેડાઈઝ સોસાયટીને નિશાન બનાવી હતી. આ સોસાયટીના C, D, E, F, G, I, J અને O એમ કુલ 8 બ્લોકના બંધ ફ્લેટોમાં તસ્કરો પ્રવેશ્યા હતા. આ પૈકીના એક ફ્લેટમાંથી 15 હજારની રોકડ રકમ અને સામાનની ચોરી થઈ હતી. ગાર્ડન પેરેડાઈઝ ઉપરાંત તસ્કરોએ બાજુમાં આવેલી નીલકંઠ બંગ્લોઝ અને સન ઓપ્ટીમા સોસાયટીમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

ગેંગની ચોરી કરવાની અનોખી મોડસ ઓપરેન્ડી

સોસાયટીમાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસતા તેમાં ૩ શખ્સ ચડ્ડી અને બનિયાન પહેરેલી હાલતમાં શંકાસ્પદ રીતે ફરતા નજરે પડ્યા હતા. આ ગેંગની ચોરી કરવાની પદ્ધતિ અનોખી છે. તેઓ સામાન્ય રીતે સોસાયટીની પાછળની દીવાલ અથવા અવાવરૂ જગ્યાથી સોસાયટી પરિસરમાં પ્રવેશ કરે છે. અંદર ઘૂસ્યા બાદ તેઓ સીધા જ પાંચમા કે તેનાથી ઉપરના માળે પહોંચી જતા છે. ત્યારબાદ, સીડી મારફતે નીચે ઉતરતા સમયે બંધ ફ્લેટોના તાળાં ચકાસી છે અને જે મકાન બંધ હોય તેના તાળા તોડીને ચોરી આચરે છે.

સિક્યોરિટી ગાર્ડના ડ્રેસમાં રેકી કરી હોવાની શંકા

સ્થાનિક રહીશો પાસેથી મળતી માહિતી મુજબ, આ ગેંગના સભ્યો પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે અગાઉથી જ વિસ્તારમાં રેકી કરે છે. તે માટે ગેંગના સભ્યો કેબમાં આવીને અલગ-અલગ જગ્યાએ રેકી કરે છે. એટલું જ નહીં, શરૂઆતમાં કોઈને શંકા ન જાય તે માટે તેઓ સિક્યુરિટી ગાર્ડના યુનિફોર્મમાં આવતા હતા.

વધુમાં, આરોપીઓ લોકોને સરનામું પૂછવાના બહાને માહિતી મેળવતા હોવાનું પણ સામે આવ્યું છે. સોસાયટીમાં સિક્યુરિટી સ્ટાફ હાજર હોવા છતાં તસ્કરોએ ચાલાકીપૂર્વક આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. બોપલ પોલીસે આ મામલે સત્તાવાર ગુનો દાખલ કરીને CCTV ફૂટેજના આધારે રીઢા ગુનેગારોની આ ગેંગને પકડવા માટે કાયદેસરની તજવીજ હાથ ધરી છે.